
- અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરશે. કોઈપણ રાજકિય પ્રવૃત્તિમાં હાલ નહીં જોડાય.
મહેસાણા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હવે એક રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે. ચૂંટણીપંચે તારીખો જાહેર કર્યા બાદ ટિકિટોની વહેચણીની પ્રક્રિયા શરૂ થઈ. જેને પગલે વિરોધનો વંટોળ પણ ઉઠ્યો. કેટલાંક નવા ચહેરાઓને લોટરી લાગી તો કેટલાં જૂના જોગીઓનું પત્તુ કપાયું. આ સ્થિતિની વચ્ચે મહેસાણામાં અર્બુદા સેનાના અયક્ષ વિપુલ ચૌધરીને લઈને અનેક અટકળો વહેતી હતી. વિપુલ ચૌધરી ક્યાંથી ચૂંટણી લડશે અને ક્યા પક્ષને સમર્થન આપશે એ મુદ્દો ચર્ચાની એરણે હતો. ત્યારે હવે આ વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.
અર્બુદા સેનાના અયક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી માહિતી સામે આવી છે. એવી વાત પણ સામે આવી છેકે, અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરશે. કોઈપણ રાજકિય પ્રવૃત્તિમાં હાલ નહીં જોડાય. અને કોઈપણ રાજકીય નિર્ણય નહીં કરે. ચૂંટણીમાં જાતિગત સમીકરણોને યાને રાખેની આ નિર્ણય લેવાયો છે. અર્બુદા સેના આ વખતની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષનું સમર્થન નહીં કરે. જોકે, હજુ પણ આ અંગેની સત્તાવાર જાહેરાત બાકી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક દિવસોથી વિપુલ ચૌધરી આપમાં જોડાશે તેવી અફવાઓ વહેચી થઈ હતી. વિપુલ ચૌધરી હાલ ૮૦૦ કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જેલમાંથી વિસનગર બેઠક પરની ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી. જેના પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. જોકે, આખરે આ મુદ્દા ઉપર હવે પુર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. તેથી આ મુદ્દો ભારે ચર્ચામાં છે.