
નવીદિલ્હી,
દેશના કોર્પોરેટ જગત અને શેરબજાર બાદ હવે સંસદને ધમરોળી રહેલા અદાણી મુદા પર વિપક્ષોએ શુક્રવારથી સંસદને ’બાન’માં લીધી છે અને કોઈ કામકાજ થયા નથી તેમજ સંયુક્ત સંસદમાં તપાસની માંગણી સાથે વિપક્ષો આ મુદે સરકારને ભીસમાં મુકવા માંગે છે તે વચ્ચે હવે મોદી સરકારે વિપક્ષો પર વધતા ફુગાવાની તૈયારી કરી છે અને આજથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોક્સભામાં હાજરી આપીને વિપક્ષના હુમલા સામે સરકારનો વ્યુહ નિશ્ર્ચિત કરશે.
આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં મોદી પક્ષના સાંસદોને વિપક્ષના આક્રમણનો વળતો મુકાબલો કરવા ખાસ ’ટીપ્સ’ આપશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ બજેટ રજુ થયા બાદ સંસદમાં ભાગ્યે જ કોઈ કામકાજ શરૂ થઈ શકયુ છે અને હવે રાષ્ટ્રપતિના ભાષણ પરનો આભાર પ્રસ્તાવ ચર્ચા પર આવશે પરંતુ વિપક્ષો સંસદ ચાલવા દેશે તેની કોઈ ખાતરી નથી.
સરકાર અદાણી મુદે ખુદને દૂર જ રાખશે અને કોઈ એક કંપની શેરબજારથી સંસદને બાનમાં લે તે સ્વીકાર્ય ગણાવશે નહી અને વિપક્ષોને આકરા જવાબ આપવા તૈયાર છે અને ખુદ વડાપ્રધાન પણ ચર્ચામા દરમ્યાનગીરી કરશે અથવા આભાર પ્રસ્તાવનો જવાબ આપી વિપક્ષોને બોલતા બંધ કરશે.
ભાજપના અન્ય સભ્યો ભૂતકાળમાં કોંગ્રેસ સરકારો સમયે થયેલ કૌભાંડોને આગળ ધરીને પણ મુકાબલો કરશે. સંસદના સત્રના પ્રથમ તબકકામાં આ સપ્તાહ જ બાકી રહ્યા છે અને ખાસ કરીને રાષ્ટ્રપતિ પરના ભાષણ પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા સરકાર માટે મહત્વની છે અને વિપક્ષો સંસદને ’હાઈજેક’ કરે તે સ્વીકાર્ય બની શકે નહી.
આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં હાલમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારામનને પક્ષના સાંસદોએ વધાવી લીધા હતા તથા પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાએ શ્રી મોદી તથા શ્રી નિર્મલા સીતારામનને હાર પહેરાવીને અભિવાદન કર્યુ હતું. શ્રી મોદી તથા નિર્મલા સીતારામન સંસદીય દળની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા તો તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા હતા.