
દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધનમાં ભેગી થયેલી ભીડને લઈને જે પણ દાવા કે પ્રતિદાવા હોય, એ વાતનો ઇનકાર ન કરી શકાય કે ચૂંટણી પહેલાં વિપક્ષી દળોએ તેના દ્વારા પોતાની એકજુટતાનું પ્રદર્શન કરવાની ઘણી હદે સફળ કોશિશ કરી. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન એવાં કેટલાંય આયોજનોનું સાક્ષીર હ્યું છે જેમણે ભારતીય રાજકારણની દિશા અને દશા બદલવાનું કામ કર્યું. એ તો સમય જ બતાવશે કે વિપક્ષી મોરચા ઇન્ડી ગઠબંધનની લોક્તંત્ર બચાવો રેલી રાજનીતિમાં કોઈ મોટા બદલાવની વાહક બનશે કે નહીં, પરંતુ એમાં શંકા નહીં કે આ રેલી દ્વારા વિપક્ષી ગઠબંધનના ઘટક તત્ત્વો પોતાની તાકાત અને એકજુટતાનું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. આ રેલીમાં અનેક મુદ્દા ઉઠ્યા જેમાં મુખ્ય રહ્યો કેન્દ્રીય એજન્સીઓનો કથિત દુરુપયોગ અને રાજકીય ભ્રષ્ટાચાર. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને કારણે એવું સ્વાભાવિક જ હતું. ચૂંટણી બોન્ડ દ્વારા ફંડના લેવડ-દેવડની વિગતો જાહેર થયાને કારણે વિપક્ષી દળોના નેતાઓએ ભાજપ પર હુમલો કર્યો અને એ સંદેશ આપવાની કોશિશ કરી કે મોદી સરકાર ભલે ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરતી હોય, પરંતુ ખુદ છળકપટથી ફંડ વસૂલવામાં પડી હતી. એમાં શંકા નહીં કે ચૂંટણી બોન્ડથી અપાતા ફંડની જે વિગતો સામે આવી છે, તેણે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે, પરંતુ એની અવગણના ન કરી શકાય કે જે કંપનીઓનું નામ લઈને એમ કહેવાય છે કે મોદી સરકારે એના પર અયોગ્ય દબાણ કરીને ફંડ મેળવ્યું, એમાંથી અનેક કંપનીઓએ વિપક્ષોને પણ સારું એવું ફંડ આપ્યું જ છે.
રાજકીય ભ્રષ્ટાચાર એક કડવી સચ્ચાઈ છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે આ મામલે કોઈપણ પક્ષ દૂધનો ધોયેલો નથી. વિપક્ષી દળ ગમે તે દાવો કરે, સચ્ચાઈ એ જ છે કે રાજકીય ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન તેની પાસે પણ નથી. રાજનીતિમાં કાળા નાણાંનો ઉપયોગ થતો રહ્યો છે અને કોઈપણ એ દાવા સાથે કહેવાની સ્થિતિમાં નથી કે ભવિષ્યમાં એવું નહીં હોય. જે વિપક્ષી નેતા ભ્રષ્ટાચારના આરોપમાં કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે અથવા તેમણે જેલ જેવું પડ્યું છે, તેમના વિશે એવું ન કહી શકાય કે તેમણે કશું જ ખોટું નથી કર્યું. જોવાનું એ છે કે વિપક્ષી દળોએ રાજકીય ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવીને મોદી સરકારને ઘેરવાની જે કોશિશ કરી, તેનાથી દેશની જનતા કેટલી પ્રભાવિત થશે અને તેની જરૂરિયાત અનુભવશે કે નહીં કે આ ગઠબંધનને સત્તામાં લાવવું જરૂરી છે. આ રેલીમાં જે એક અન્ય મુદ્દો જોરશોરથી ઉઠ્યો, તે એ રહ્યો કે ભાજપ જો ફરીથી સત્તામાં આવી ગઈ તો લોક્તંત્ર ખતમ થઈ જશે અને બંધારણ પણ ખતમ થઈ જશે! એ સમજવું મુશ્કેલ છે કે કોઈ પક્ષસતત ત્રીજી વાર સત્તા હાંસલ કર તો તેનાથી લોક્તંત્ર અને બંધારણ કેવી રીતે ખતમ થઈ જશે? આવું કંઈ પહેલી વાર નથી કે કોઈ પક્ષ સતત ત્રીજી વખત ચૂંટણી જીતવાની સંભાવના દેખાઈ રહી હોય. સારું થાત કે વિપક્ષી દળો કોઈ બીજા ઠોસ મુદ્દાના સહારે કોઈ પ્રભાવશાળી વિમર્શ ઊભો કરવાની કોશિશ કરતા. જોક વિપક્ષી ગઠબંધનના ઘટકો વચ્ચેના અંતવરોધની છાયા પણ આ રેલી પર એ રૂપે જોવા મળી કે તેના મુખ્ય હેતુને લઈને બ પ્રકારની વાતો કહેવાઈ. આમ આદમી પાર્ટી તરફથી તેનો હેતુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવાનું કહેવાયું તો કોંગ્રેસ તરફથી કહેવાયું કે વિરોધ કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાયેલો નહીં પણ હાલની સરકારની તાનાશાહી વિરુદ્ઘ કેન્દ્રિત છે. આ રેલી પણ એવા સમયે થઈ જ્યારે મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી તમામ રાજ્યોમાં ટિકિટ વહેંચણીના સવાલ પર વિપક્ષી દળોનો પરસ્પર ખટરાગ જોવા મળ્યો.