નવીદિલ્હી, દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં આવતા વર્ષે લોક્સભાની ચૂંટણી યોજાશે. દેશના દરેક પક્ષો આ ચૂંટણી માટે તૈયારીમાં લાગી ગયા છે. આગામી લોક્સભાની ચૂંટણીમાં જીત મેળવવા દરેક વિરોધ પક્ષો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ રહીને પીએમ મોદીને હરાવવા શક્ય નહીં લાગતા તમામ વિપક્ષો ગઠબંધનની કવાયતમાં લાગેલા છે. જોકે, તેમનો સંઘ હજી સુધી કાશી નથી પહોંચ્યો, પણ દેશની પ્રજાને એટલી તો જાણ છે જ કે અલગ અલગ વિચારસરણી ધરાવતા વિરોધ પક્ષોના ગઠબંધનમાં વડા પ્રધાન પદના ઉમેદવાર અંગે કોઇ સહમતિ નથી. દરેક પક્ષ પોતાને શ્રેષ્ઠ માની રહ્યો છે અને પોતાના પક્ષના નેતાને વડા પ્રધાન પર પર જોવા માગે છે.
અત્યાર સુધી વિપક્ષની કવાયતમાં કૉંગ્રેસની કોઇ ગણતરી કરવામાં આવતી નહોતી, પણ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા હવે બધા સમીકરણો બદલાઇ ગયા છે. મરવા પડેલી કૉંગ્રેસમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે અને તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે જોઇ રહ્યા છે. એવામાં કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે સમગ્ર વિપક્ષ સમક્ષ એવી માગણી કરી છે કે બધા વિપક્ષો દિગમૂઢ બની ગયા છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે વિપક્ષ સમક્ષ એવી માગણી કરી છે કે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓ ઉત્સાહિત છે. કર્ણાટકમાં મુખ્ય પ્રધાન અંગેનો નિર્ણય તો હાલમાં લેવાઇ ગયો છે, પરંતુ હવે મામલો વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોક્સભા ચૂંટણી સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદનું કહેવું છે કે જો વિપક્ષ વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા ઈચ્છે છે તો તેણે કોઇ મોટો ચહેરો રજૂ કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, ‘આ ચહેરો એવો હોવો જોઈએ કે તે લોકપ્રિય હોવો જોઈએ, સાથે જ તે વિશ્ર્વસનીય હોવો જોઈએ અને તેની સાર્વત્રિક સ્વીકૃતિ પણ હોવી જોઈએ.’ તેમના મતે કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરા વિપક્ષના પીએમ પદના ઉમેદવાર તરીકે શ્રેષ્ઠ છે.