વિપક્ષ એકજૂટ નહીં થાય તો તેનો અંત થઈ જશે : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી

  • પીએમ મોદી બહાર જાય છે ત્યારે ગાંધીજીની પ્રતિમા સામે માથું ટેકવે છે, પરંતુ જ્યારે તેઓ અહીં આવે છે તો હિંદુ મુસ્લિમો કરવા લાગે છે.: મુફતી

શ્રીનગર, બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની મહાબેઠક બાદ મહેબૂબા મુફ્તી એ એક્તા પર ભાર મૂક્તા કહ્યું કે હું નીતિશ કુમારનો ખૂબ આભાર માનું છું. જો આજે વિપક્ષ એક નહીં થાય તો પછી વિપક્ષનો અંત થઈ જશે. પીએમ મોદી પર નિશાન સાધતા મહેબૂબા મુફ્તી એ કહ્યું કે જ્યારે પીએમ મોદી બહાર જાય છે ત્યારે ગાંધીજીની પ્રતિમા સામે માથું ટેકવે છે, પરંતુ જ્યારે તેઓ અહીં આવે છે તો હિંદુ મુસ્લિમો કરવા લાગે છે. તેમને બહાર જે સન્માન મળે છે, તે તેમનું નહીં પણ દેશનું સન્માન છે.

પીડીપી પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી એ કહ્યું કે જ્યારે પીએમ મોદી ભારતમાં રહે છે ત્યારે હિંદુ- મુસ્લિમ કરવા લાગે છે. તેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોને નુક્સાન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે જો આજે વિપક્ષ એક નહીં થાય તો પછીથી વિપક્ષ ખતમ થઈ જશે. જે પત્રકાર આ વિશે વાત કરે છે તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જો આ દેશને બચાવવો હોય તો બધાએ એકજૂટ થવું પડશે. આજે આપણી કુસ્તીબાજ છોકરીઓ જંતર-મંતર પર ધરણાં કરવા મજબૂર છે, પણ જેના પર આરોપ છે તે છૂટથી ફરે છે.

વિપક્ષની બેઠકને લઈને મહેબૂબા મુફ્તી એ વધુમાં કહ્યું કે હું એ તમામ લોકોનો આભાર માનું છું જેઓ આ દેશને બચાવવા પટના આવ્યા હતા. હું આશા રાખું છું કે આગામી મીટિંગમાં બધું સારું થઈ જશે. આ સાથે તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ એક મોટી પાર્ટી છે જેના વિશે બધા એક સાથે આવ્યા છે. આ સાથે મહેબૂબા મુફ્તી એ કહ્યું કે અમારી વચ્ચે ઘણા મતભેદ હોવા છતાં અમે અને ઉદ્ધવ ઠાકરે એક્સાથે બેઠા હતા, પણ તેમનામાં અને મારામાં અંતર છે.