વિકસિત ભારત વિકસિત ગુજરાત: શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ, વંચિતો અને જરૂરિયાતમંદોને પાકું મકાન બનાવી અનેક પરિવારોના સપના પૂરા કર્યા છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર.
  • મહીસાગર જિલ્લામાં અંદાજિત 6047 આવાસોનું ઈ-લોકાર્પણ અને 66 આવસોનું ખાતમુહૂર્ત કરાયું.

મહીસાગર,રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓનાં અંદાજીત 1,31,454 આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર એસ. પી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લામાં અંદાજિત 6047 આવાસોનું ઈ-લોકાર્પણ અને 66 આવસોનું ખાતમુહૂર્ત કરાયું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રોટી, કપડાં અને મકાન એ દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ, વંચિતો અને જરૂરિયાતમંદોને પાકું મકાન બનાવી અનેક પરિવારોના સપના પૂરા કર્યા છે અને સાથે મહિલાઓને ધુમાડમાંથી મુક્તિ આપવા માટે ઉજ્વલલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન સાથે નલ સે જળ યોજના અંતર્ગત પાણી ઘરઆંગણે પોહચાડવામાં આવ્યું. સરકાર છેવાડાના ગામમાં જઈ ઘર આંગણે જઈ વંચિતોને શોધીને લાભ આપી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકને સુવિધાયુક્ત આવાસ મળે તેવું વડાપ્રધાનનું સપનું છે. જે વ્યક્તિ આર્થિક સદ્ધર ન હોય તે પણ સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકાર કામગીરી કરી રહી છે. જેના કારણે સેકડો નાગરિકોને પાકા મકાન પ્રાપ્ત થયા છે. ત્યારે દરેક લાભાર્થી અન્યો સુધી આ યોજનાની જાણકારી પહોંચાડીને પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે જરૂરી છે. કેન્દ્ર-રાજય સરકાર દરેક યોજનાનો લાભ તમામ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ લોકોના ઘર સુધી જઇને લાભાર્થીઓને ફલેગશીપ યોજનાનો મહત્તમ લાભ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સી.એન. ભાભોરએ આભરવિધિ કરી હતી.

આ તકે મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ સહિત પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.