”વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અંગેની બેઠક યોજાઈ

  • દાહોદ જીલ્લામાં રથ મારફતે છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાશે.

દાહોદ, કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.

સમગ્ર દેશમાં 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે જે અન્વયે તારીખ 22 નવેમ્બર 2023થી દાહોદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં રથ મારફતે ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો શુભારંભ થશે. આ યાત્રામાં સરકારના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી અપાશે.

આ બેઠકમાં કલેકટર ડો.હર્ષિત ગોસાવીએ ”વિકસિત ભારત રથ યાત્રા”ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ રથના સ્થાનિક કક્ષાએ થનારા સ્વાગત દરમ્યાન સરકારની યોજનાનું સાહિત્ય વિતરણ કરાશે.તેમજ સરકારની વિવિધ યોજનાઓના લભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવશે વિકસિત યાત્રા અન્વયેની પ્રારંભિક ફિલ્મ પ્રસારિત કર્યા બાદ વડાપ્રધાનનો સંદેશ અને સંકલ્પ અંગેનો વિડિયો પ્રસારિત કરાશે.’મેરી કહાની મેરી જુબાની”ના લાભાર્થીઓની સાફલ્યગાથાનું પ્રસારણ કરાશે. તેમજ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા ધરતી કહે પુકાર કે, સ્વચ્છતા ગીતની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવશે.”વયવંદના સમારંભ” નિમિત્તે સ્થાનિક વડીલ નાગરિકોનું સન્માન કરાશે.

આ યાત્રા દરમ્યાન યોજનાકીય ક્વિઝ, મહિલા લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવાની કામગીરી, તેમજ સ્થળ પર જ આરોગ્ય શિબિરો (ટીબી સ્ક્રીનીંગ, આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા સ્ક્રીનીંગ), પી.એમ. ઉજ્જવલા નવી નોંધણી અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ, માય ભારત સ્વયંસેવક નોંધણી અંગેની ખરાઇ કરવામાં આવશે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, અધિક નિવાસી કલેકટર એ.બી.પાંડોર, ડી.આર.ડી.એ.ના નિયામક બી.એમ.પટેલ, પ્રાંત અધિકારીઓ ચીફ ઓફિસર્સઓ, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.