વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર

  • જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ અને કેન્દ્રીય સચિવ જીતેશ શર્માની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો.
  • વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા હતા : વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

મહીસાગર,મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ અને કેન્દ્રીય સચિવ જીતેશ શર્માની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના વિઝનથી ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મૂળ હેતુ સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા અને આદિજાતી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. લોકોની સમસ્યા જાણી તેનો નિવેડો કેવી રીતે લાવી શકાય તે દિશામાં વડાપ્રધાનએ વિચારણા કરી અનેક યોજનાઓ બનાવી છે. તેનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોની ચિંતા કરી સરકારએ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવાથી કોઈ વંચિત ન રહી જાય તે માટે આપણે પણ નાગરિક તરીકે ફરજ અદા કરી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ થાય તે દિશામાં કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો.

મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું.

ધરતી કરે પુકાર અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુકકડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ વળવાઈ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, રથના ઇન્ચાર્જ, સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.