
- જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.
- લાભાર્થીઓને ઘરઆંગણે જ યોજનાકીય માહિતી અને લાભોનું વિતરણ કરાયું.
મહીસાગર,મહીસાગર જીલ્લાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના સરગવા મહુડી ગામે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળા પાસે ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામુહિક શપથ લીધા હતા.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનોને આપતા જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. ગ્રામજનોએ પણ વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાના સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. ગામનો પ્રત્યેક નાગરિક સરકારી યોજનાઓ અંગે જાગૃત હશે તો વિકસિત ભારતનું લક્ષ્ય દૂર નથી.

કાર્યક્રમ આગળના ચરણમાં પહોંચતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ માતૃવંદના યોજના, આયુષ્માન ભારત યોજના, પૂર્ણાશક્તિ યોજના તેમજ પીએમ આવાસ યોજના, મિશન મંગલમ, માતૃશક્તિ સહીતની યોજનાઓના સ્થાનિક લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં મહેસુસ કરેલા બદલાવ અંગેના પ્રતિભાવોને ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા.

વધુમાં ગ્રામ પંચાયતે હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સરપંચને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ, ફળ-શાકભાજી તેમજ હલકા ધાન્યની સમજ આપતા સ્ટોલ પરથી તેના મહત્વ અંગેની જાણકારી પુરી પાડી હતી. આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, મહીસાગર નગર નિયોજક ઇન્દ્રજીત તેજગઢવાલા, ટીપીઓ મહેશભાઈ, સરપંચ કનૈયાલાલ પટેલ, ડે.સરપંચ સતીષભાઈ, ગ્રામ પંચાયત સભ્યો, સ્થાનિક અગ્રણીઓ એસ.એન. પટેલ, ભૂલાભાઈ પટેલ, સુખાભાઈ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.