લુણાવાડા, વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે. વડાપ્રધાને ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરવા માટેના ચાર આધારસ્તંભ તરીકે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે. આ ચાર આધારસ્તંભના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જીલ્લામાં સવારે લુણાવાડા તાલુકાના નવા મુવાડા અને બપોર બાદ મેડજીના મુવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે યાત્રાના લુણાવાડા મામલતદાર ઈશ્ર્વરભાઈ પટેલ યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા સહીત અગ્રણી મહાનુભાવોએ ગ્રામજનોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એક જવાબદાર નાગરિકની ભુમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓની ઝીણવટપૂર્ણ માહિતી અને લાભોનું મહત્વ વર્ણવતી ફિલ્મ નિહાળી હતી. વધુમાં વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.
કાર્યક્રમ વેળાએ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની”ના સ્વરૂપે યોજનાકીય લાભોની પ્રસ્તુતિ કરીને ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ, ફળ-શાકભાજી તેમજ હલકા ધાન્યની સમજ આપતા સ્ટોલ પરથી તેના મહત્વ અંગેની જાણકારી પુરી પાડી હતી. આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં નવા મુવાડા સરપંચ હેમુબેન ડે.સરપંચ જયંતીભાઈ, અગ્રણી વિજયસિંહ, તાલુકા પંચાયત સભ્ય કૈલાસબેન અને મેડજીના મુવાડા સરપંચ સંદીપભાઈ, ટીપીઓ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો, અગ્રણી રમણભાઈ શાળા પરિવાર ખેતીવાડી, આરોગ્ય, આઈસીડીએસ સહીત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.