વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ રજુ કરાયું છે,મુખ્યમંત્રી

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.

દરમિયાન કેન્દ્રીય અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્રને અગ્રતા અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા આપવા બદલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનનો આભાર માન્યો છે.

આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા આપીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પર્યાવરણ, પ્રકૃતિ અને સમગ્ર માનવજાતની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયને હું અંતરના ઉમળકાથી આવકારું છું.

આજે લોક્સભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામને ચતુદક સમૃદ્ધિ અને સશક્ત વિકાસ માટે ભારત સરકારની નવ પ્રાયોરિટીમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનશીલતા સાથે ઉત્પાદક્તામાં વૃદ્ધિને પ્રથમ અગ્રતા ગણાવી હતી. કૃષિમાં પણ પ્રાકૃતિક કૃષિને ભારત સરકારની ટોપ પ્રાયોરિટીમાં મુક્તા તેમણે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ભારતમાં એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે. પ્રાકૃતિક કૃષિ પેદાશોની પ્રમાણિકરણ પ્રક્રિયા અને બ્રાન્ડિંગમાં પણ સહયોગ અપાશે. આ માટે ગ્રામ પંચાયતો અને વિજ્ઞાન કેન્દ્રો-વિજ્ઞાન સંસ્થાઓની મદદ લેવાશે.