- વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સર્વે કરીને રૂ.84.56 લાખની ત્વરિત સહાયનું ચૂકવણું કરતું જીલ્લા વહીવટી તંત્ર
પંચમહાલ જીલ્લામાં તારીખ 25 થી 29 ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. જીલ્લા કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ નુકસાન બાબતે વહીવટી તંત્રએ અસરકારક કામગીરી કરી છે. જીલ્લામાં થયેલા ભારે વરસાદમાં જીલ્લા કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા 24સ7 રાઉન્ડ ધ કલોક કામગીરી કરાઈ હતી. જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મળતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે જીલ્લા કલેકટર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રોડ રસ્તા,વરસાદી પાણીનો નિકાલ, વીજળીના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું.
પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા વરસાદથી થયેલ નુકસાની બાબતે સર્વે કરીને કુલ રૂ.84.56 લાખની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત જીલ્લામાં 28 સંપૂર્ણ નુકસાન પામેલા કાચા મકાન માટે રૂ. 33.60 લાખની સહાય, 855 જેટલા અંશત: નુકસાન પામેલા કાચા મકાન માટે 34.20 લાખની સહાય, 71 ઝૂંપડાઓ માટે કુલ રૂા. 5.68 લાખની સહાય, 49 અંશત: પાકા મકાનના નુકસાન માટે રૂા. 3.18 લાખની સહાય, સંપૂર્ણ પાકા મકાનના 02 ઘરોના નુકસાન માટે કુલ રૂા. 2.40 લાખની સહાય, 04 પશુ મૃત્યુના કિસ્સામાં 1.50 લાખની સહાય, 01 માનવ મૃત્યુ માટે રૂા. 4 લાખની સહાયનું ત્વરિત ચુકવણું કરાયું છે.
જીલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા પાકમાં થયેલ નુકસાન બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તો નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા જીલ્લાના વિવિધ રોડ, કોઝવે અને નાળાઓનું સમારકામ પણ કરાયું છે.