
દાહોદ,અણીના સમયે મળેલી મદદનો ઉ૫કાર જીવનપર્યંત ભૂલાતો નથી. એમાંય જો તમને કોઇ શારીરિક તકલીફ થઇ હોય અને તેવા સમયે બનેલા મદદગાર દેવદૂત સમાન લાગે છે. આવું જ કંઇક દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન પપ્પુભાઇ નિનામા સાથે બન્યું છે. તેમના માટે સીએમ ડેશ બોર્ડ હમદર્દ બન્યું અને આ ઘટના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નેતૃત્વની રાજ્ય સરકારની સંવેદનશીલતાની પરિચાયક બની.
રાજયના ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોની રોજીંદી તકલીફોના નિરાકરણ માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) રોજબરોજ ચિંતા કરીને તેનુ નિરાકરણ કરવા માટે તેમના નિવાસસ્થાને સી.એમ. ડેશબોર્ડ કાર્યરત કર્યુ છે જેનું તેઓ સતત મોનીટરિંગ કરીને દિન દુખીયાના આંસુ લૂછવાનુ માનવીય કામ કરી રહ્યા છે. ગરીબ પરિવારો માટે ડેશબોર્ડ સાચા અર્થમા હમદર્દ પુરવાર થઈ રહ્યુ છે.
આ કિસ્સાંની હકિકત એવી છે કે, થોડા દિવસો પૂર્વે શીલાબેન તેમના પતિ સાથે મુસાફરી કરતા હતા. સાતમો માસ જતો હતો પણ, આ સામાજિક પ્રવાસ ટાળી શકાય એવો નહોતો. એટલે નાછૂટકે જવું પડ્યું. હવે થયું એવું કે આ પ્રવાસના કારણે તેમને દુઃખાવો ઉપડ્યો. તેમને તાત્કાલીક દવાખાને ખસેડવા પડ્યા. ડોક્ટરે તેમની સ્થિતિને ધ્યાને રાખી દવા તો આપી પણ, ગર્ભાવસ્થા હોવાથી વધુ તપાસ કરવા માટે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. સોનોગ્રાફી કરવી ખૂબ જ જરૂરી હતી.
શીલાબેનના પતિ છૂટક શ્રમકાર્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોજનું કમાઇ રોજનું ખાય એવી સ્થિતિ હતી. આવા સંજોગોમાં શીલાબેનને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી આર્થિક રીતે પોષાય એમ નહોતું. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગયા તો ત્યાં બે દિવસ પછી વારો આવે એમ હતો. એટલે શીલાબેનને રડમસ ચહેરે ઘરે પરત આવવું પડ્યું હતું.
હવે થયું એવું કે, શીલાબેનને સોનોગ્રાફી કરાવવાની વાત સીએમ ડેશબોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના કાર્યાલયના ધ્યાન પર આવી હતી. આરોગ્ય સેવાને સુદ્રઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ આવી બાબત તુરંત સંલગ્ન તંત્રને ધ્યાને લાવવા સૂચના આપી છે. એથી ઝાયડ્સ હોસ્પિટલમાં ગાંધીનગરથી ફોન આવ્યો અને શીલાબેનની તુરંત સોનોગ્રાફી કરવાની સૂચના આપવામાં આવી હતી.
શીલાબેનને હોસ્પિટલે બોલાવવામાં આવ્યા અને તેની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. સીએમ ડેશ બોર્ડ તેમના માટે હમદર્દ બન્યું. સાથે, સરકારી ખર્ચે સારવાર પણ કરાવવામાં આવી. જેમાં આયર્નની ગોળી સહિતની દવાઓ પણ આપવામાં આવી.
શીલાબેન કહે છે કે, તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે. મારી આવી દરકાર રાખવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.