- વિજાપુરના ધનપુરાના અને હાલ અમદાવાદ રહેતા ચાર ભાગીદારો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
અમદાવાદ,વિજાપુર તાલુકાના જેપુરના વેપારીએ ડેરી પાર્લર અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના ધંધાની ભાગીદારીમાં લેવાના નીકળતા હિસાબના ૩.૬૫ કરોડ ભાગીદારોએ નહીં આપતાં દવા પી આપઘાત કરી લીધો હતો. વેપારીની સ્યુસાઇડ નોટ આધારે લાડોલ પોલીસે મૂળ ધનપુરા અને હાલ અમદાવાદ ખાતે મુરલીધર ડેરી પાર્લરના નામે વ્યવસાય કરતાં ચાર ભાગીદારો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.
જેપુરના પટેલ નટવરભાઈ પરસોત્તમદાસ અમદાવાદ ઘાટલોડિયા ખાતે ધનપુરા ગામના અન્ય ચાર ભાગીદારો સાથે ડેરી પાર્લર અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા હતા. નટવરભાઈએ ઘાટલોડિયામાં મુરલીધર ડેરી પાર્લરથી ધંધાની શરૂઆત કરી, અમદાવાદમાં તેની અન્ય ચાર શાખાઓ પણ ખોલી હતી. કર્ણાવતી ક્લબ પાછળ ઉમા ડેરી પ્રોડક્ટ નામે કારખાનું પણ ચાલુ કર્યું હતું.
જેને છેલ્લા ૧૨ વર્ષથી સતિષભાઈ સંભાળતા હતા. ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી સતિષભાઈએ તેનો વહીવટ નટુભાઈને સોંપ્યો, પરંતુ અગાઉના વહીવટનો કોઈ હિસાબ આપ્યો ન હતો. પરિણામે સતિષભાઈએ કરેલા વેપારના બાકી બિલો નટુભાઈએ ચૂકવ્યા હતા. પાછળથી નુક્સાન જતાં યુનિટ બંધ થયું હતું. આ સિવાય નટુભાઈએ ઉમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમદાવાદની અન્ય બિલ્ડીંગ સાઈડોમાં પણ પટેલ સતિષ કચરાભાઈ સાથે ભાગીદારી કરી હતી.
તેનો મૂડી અને નફો વારંવાર માગણી કર્યા છતાં ન આપતાં નટવરભાઈ પરિવાર સાથે વતન જેપુર રહેવા આવી ગયા હતા અને ભાગીદારો તમે ધંધો છોડીને ઘરે જતા રહ્યા છો તેમ કહી પૈસા આપતા ન હતા. બીજી તરફ, નટુભાઈએ સગાસંબંધી પાસેથી અને લોન લીધેલી હોઇ વ્યવહાર સાચવી ન શક્તાં સમાજમાં બદનામી થવાના ડરે ગત ૨૩ માર્ચે ઘરેથી નીકળી ગયા હતા અને મંગળવારે તેમના ઘરની નજીક ખેતરમાંથી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી ભત્રીજા મૌલિક પટેલે ચારે ભાગીદારો સામે લાડોલ પોલીસ મથકમાં આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
પોલીસને મૃતક નટુભાઈ પટેલના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તા.૨૩-૩-૨૦૨૩ અને નીચે હું જે પગલું ભરું છું તેના માટે જવાબદાર પટેલ સતિષભાઈ કચરાભાઈ, પટેલ વિક્રમભાઈ કચરાભાઈ તથા તેમના બે પુત્રો સંદીપ અને વિશાલ આ લોકોએ મારા સાથે ૨૫ વર્ષના ધંધામાં જોડાયેલ અને મારા હિસાબના નીકળતા પૈસા જે વ્યાજ સાથે સાડા ત્રણ કરોડ થાય છે.
જે મને આપતા નથી. મારી મિલક્ત જે મેલડી એસ્ટેટ ગોતામાં વેચાણથી આપેલ તેની કિંમત ૧ કરોડ ૨૫ લાખ તેમાંથી મને ૧ કરોડ ૧૦ લાખ આપેલ અને પહોંચ ઉપર મારી સહી પણ કરાવેલ. તેમાંથી પણ મારે ૧૫ લાખ લેવાના બાકી છે એમ કુલ મળી ૩ કરોડ ૬૫ લાખ લેવાના નીકળે છે, જે મુરલીધરના બધા જ ભાગીદારો જાણે છેનો ઉલ્લેખ કર્યો છે. જે ચાર સામે ફરિયાદ નોંધાઇ છે તેમાં ૧. પટેલ સતિષ કચરાભાઈ,૨. પટેલ વિક્રમ કચરાભાઈ,૩. પટેલ સંદીપ વિક્રમભાઈનો સમાવેશ છે.