અમરેલીના લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ બાદ આંબરડી ગામે ખેતી કામ કરી પરત ફરી રહેલા લોકો પર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે.
ધારાસભ્ય સહિતનાઓ હોસ્પિટલમાં પહોંચ્યા આ અંગે મહેલી પ્રાથમિક માહિતી મુજબ આંબરડી ગામમાં આજે આકાશી વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેયનો આકાશી આફતે જીવ લીધો છે. તેમજ ત્રણ લોકો ગભરાઈ જતા તેઓને ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ ધારાસભ્ય જનક તળાવિયા સહિતનાઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે, લાઠીના આંબરડી મુકામે આજે 5 લોકોના મોત થયા છે. વાતાવરણમાં પલટો આવ્યાં બાદ લાઠી વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો અને અચાનક વીજળી પડવાના કારણે આંબરડી વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની મને જાણ થતાં જ તાત્કાલીક અધિકારીઓને જાણ કરી હતી. મૃતકોના પરિવારને તાત્કાલીક સહાય મળે તે માટે સરકારમાં પણ રજૂઆત કરી છે.
અમરેલીના કલેક્ટર અજય દહિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, લાઠીના આંબરડી ગામમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે લાઠી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં છે. જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે.
મૃતકોના સાથી અનિલે જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી અમે આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. અમે 108માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી. અન્ય એક સાથીએ જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા. જ્યાં વરસાદ શરૂ થતાં ખેડૂતે કહ્યું કે, તમે ઘરે જતા રહો. બાદમાં અમે ઘરે આવતા હતા અને રસ્તામાં વીજળી પડી તો અમારા પાંચ લોકોના મોત થયા છે.
મૃતકોના નામ
- ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા
- શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા
- રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા
- રૂપાલીબેન દલસુખભાઈ
- રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા