
વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકે ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીઓ સાથે બેડ ટચની ઘટનાને પગલે વાલીઓ શાળામાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે અંબે વિદ્યાલય દ્વારા તાત્કાલિક વ્યાયામ શિક્ષકને ટર્મિનેટ કરીને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સર અમને ખરાબ રીતે ટચ કરે છે: વિદ્યાર્થિનીઓ વડોદરા શહેરમાં આવેલી અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિનીઓ કહેતી જોવા મળી રહી છે કે, પીટી સર અમને ખરાબ રીતે ટચ કરે છે. અમે ઘણી વખત ફરિયાદ કરી પણ કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. તે અમને કહે છે કે, હું તમને જોઇ લઇશ. મારા કરતા ખરાબ માણસ તમને કોઇ નહીં મળે. તે અમને જેકેટ કાઢવાનું કહે છે.
વાલીઓમાં ભારે આક્રોશ વિદ્યાર્થિનીઓ સાથે અડપલાની ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ મામલે તુરંત કડક કાર્યવાહીની માગ કરી હતી અને પોલીસ ફરિયાદ કરવાની પણ માગ કરી છે. અંબે વિદ્યાલયમાં નોકરી કરતા પ્રતિક્ષા પંચાલ પોતે કમિશનરની દીકરી કહેતા હોવાના આક્ષેપો પણ વાલીઓએ કર્યા છે. જેથી પ્રતિક્ષા પંચાલ સામે પણ કાર્યવાહીની વાલીઓએ માગ કરી છે.
અમે શિક્ષકને ટર્મિનેટ કર્યો: પ્રિન્સિપાલ આ મામલે અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, શિક્ષકે વિદ્યાર્થિની સાથે બેડ ટચ કરવાની રજૂઆત મળતા અમે શિક્ષકને ટર્મિનેટ કર્યો છે. અમારા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા એ પ્રથમ છે. આ ઘટના ખૂબ જ ગંભીર છે. તેથી મેં તુરંત જ કાર્યવાહી કરી છે.
બેડ ટચ ગુડ ટચને લઈને સ્કૂલોમાં જાગૃતિ અભિયાન ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ દ્વારા બેડ ટચ ગુડ ટચને લઈને સ્કૂલોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઇને બાળકીઓમાં બેડ ટચ અંગે જાગૃતિ આવી રહી છે અને વિદ્યાર્થિનીઓ બેડ ટચ બાબતે ફરિયાદો પણ કરે છે.