વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર : આંબાવાડીમાં સિમ કાર્ડ મળ્યું, મોબાઈલ ગુમ; 48 કલાક બાદપણ હત્યારો પોલીસ પકડથી દૂર

વલસાડના પારડી તાલુકામાં એક કોલેજિયન યુવતી ગુરુવારે બપોરે ટ્યૂશનથી ઘરે પરત ફરી ન હતી. ઉદવાડાના મોતીવાડા રેલવે ફાટક પાસેની એક આંબાવાડી(ખેતર)માં અજાણ્યા શખસે તેની દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે પોલીસે દુષ્કર્મી હત્યારાને પકડવા માટે કમર કસી છે, પરંતુ ત્રીજા દિવસે પણ તેની ગુનેગારને પકડવામાં પોલીસ સફળ રહી નથી. પોલીસને એક સિમકાર્ડ મળ્યું છે, જ્યારે કોલેજિયન યુવતીનો મોબાઈલ ગુમ છે. ત્યારે 48 કલાક વીતી જવા છતાં હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, કોલેજિયન યુવતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક PM કરાતાં તેના પ્રાથમિક રિપોર્ટમાં રેપ વિથ મર્ડરનો ઘટસ્ફોટ થયો હતો.

CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ યુવતીની શોધખોળ કરતાં પરિવારના સભ્યોને યુવતીની લાશ આંબાવાડીમાંથી મળી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને થતાં ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પેનલ PM કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા LCB, SOG સહિત 10 અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર આગળ ચલાવ્યો છે. ઘટના સ્થળેથી વલસાડ જિલ્લા પોલીસની ટીમને યુવતીના મોબાઈલનો સીમકાર્ડ મળી આવ્યો છે. ઘટના સ્થળની આજુબાજુમાં આવેલી CCTV કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને યુવતીની હત્યા અને દુષ્કર્મની ઘટનાની ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ટ્યૂશનથી પરત ફરતી વખતે બીકોમની બીજા વર્ષની વિદ્યાર્થિનીની લાશ મળી હતી. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ બાદ વિદ્યાર્થિનીની લાશ મળતાં પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થિનીનું ફોરેન્સિક PM કરાવ્યું હતું, જેમાં FSL PMનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસે હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડના મિત્રએ યુવતીની બહેનને ફોન કર્યો મોતીવાળા ગામમાં એક પરિવારની 19 વર્ષીય ખુશી (ઓળખ છુપાવવા યુવતીનું નામ બદલવામાં આવ્યું છે) જે. બી. પારડીવાળા કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની મોટી બહેન ઉદવાડા ખાતે નોકરી કરે છે. 14 નવેમ્બરના રોજ કામ અર્થે વલસાડ આવી હતી. ત્યારે વિદ્યાર્થિનીના મિત્રનો વિદ્યાર્થિનીની બહેન તૃપ્તિ(નામ બદલવામાં આવ્યું છે) પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું અને ખુશી (નામ બદલવામાં આવ્યું છે) વાત કરતાં હતાં, તેમ છતાં ખુશી બીજા છોકરા સાથે વાત કરવાનું ચાલુ કરી દીધા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. આનંદે ખુશીની મોટી બહેનને આ અંગે જણાવ્યું હતું. બાદમાં મોટી બહેન વલસાડ RPF ગ્રાઉન્ડ પાસે બસમાંથી ઊતરી રિક્ષા પકડી ઉદવાડા સ્ટેશન તરફ આવી હતી.