નવીદિલ્હી, વિદ્યાર્થી સાથે મારમારીના કેસમાં આપના ધારાસભ્યને સજા સંભળાવાઈ છે. દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અખિલેશ પતિ ત્રિપાઠીને આખો દિવસ કોર્ટમાં ઉભી રહેવાની સજા સંભળાવાઈ છે. ઉપરાંત કોર્ટે અખિલેશ પતિ ત્રિપાઠીને ૩૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મળતા અહેવાલો મુજબ કોર્ટે દંડની રકમમાંથી ૬૫૦૦ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા અને ૨૩,૫૦૦ રૂપિયા ફરિયાદીને આપવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટે અખિલેશ ત્રિપાઠીને આઇપીસીની કલમ ૩૨૩ હેઠળ દોષીત જાહેર કર્યા છે, જ્યારે આઇપીસીની કલમ ૩૪૧/૫૦૬ (૧) અને કલમ ૩(૧) હેઠળ એસસી/ એસટી એક્ટના આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા છે.
વર્ષ ૨૦૨૦માં ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠી પર જાણીજોઈને એક વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત કરવાનો આરોપ લગાવાયો હતો. કોર્ટે ત્રિપાઠીને માર્ચમાં દોષિત જાહેર કર્યા હતા. ફરિયાદીએ આરોપી ત્રિપાઠી પર જાતિ સંબંધિત ટીપ્પણી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, જે અંગે કોર્ટે કહ્યું કે, ફરિયાદી પક્ષ દ્વારા કરેલા આ આરોપો પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ છે. ઉપરાંત કોર્ટે એવું પણ કહ્યું કે, એવું બિલકુલ લાગી રહ્યું નથી કે આરોપીએ ફરિયાદીને અનુસૂચિત જાતિ હોવાના કારણે અપમાનિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ કોર્ટે સજા માટે ૧૩મી એપ્રિલની તારીખ નક્કી કરી હતી. આ દરમિયાન કોર્ટે ધારાસભ્યની સજા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
રિયાદ મુજબ ફેબ્રુઆરી-૨૦૨૦માં વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી અને દાવો કર્યો હતો કે, ૭ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ જ્યારે તે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેને ઝંડેવાલન ચોક, લાલ બાગમાં માર માર્યો હતો. અનુસૂચિત જાતિ સાથે જોડાયેલા ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ત્રિપાઠીએ તેમની વિરુદ્ધ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.