
અમદાવાદ, સી.યુ.શાહ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી કોલેજ ટ્રસ્ટ દ્વારા એક વર્ષ માટે એડમિશન ના ફાળવવા રજૂઆત કરતા યુનિવર્સિટી એ મંજૂરી આપી છે. જે મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી માં વિરોધ કરવામાં આવ્યો હતો.કુલપતિ યુનિવર્સિટી માં પ્રવેશતા જ એબીવીપીના કાર્યકરોએ તેમના વિરુદ્ધ નારા લગાવીને કુલપતિની ધક્કે ચડાવ્યા હતા. કુલપતિએ યુનિવર્સિટી ના દરવાજા ખોલાવવા પડ્યા હતા.

આ મામલે એબીવીપીના નેતા ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે, સી.યુ શાહ કોલેજ એક વર્ષ માટે એડમિશન ફાળવી રહી નથી તેનો અમે વિરોધ કરી રહ્યા છે. સીટ મેટ્રિક્સ બની ગયા બાદ કોલેજને એડમિશનમાંથી કેવી રીતે બાકાત રાખી શકાય,જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગે છે. તેમને કોલેજમાં પ્રવેશ આપવો અને હાલમાં જે વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને નુક્સાન ન થાય તે રીતે અભ્યાસ કરાવવો તે અમારી માંગણી છે.
આશ્રમરોડ પર આવેલી સી.યુ શાહ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી કોર્પોરેશન દ્વારા કોલેજની નોટિસને ફટકારવામાં આવી છે, જેથી કોલેજે ગુજરાત યુનિવર્સિટી ને રજૂઆત કરી હતી કે, કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓના જીવનનું જોખમ રહેલું છે. માટે આ વર્ષે કોલેજને નવા પ્રવેશ ના ફાળવવા.સી.યુ શાહ કોલેજની રજૂઆતને યાને લઈ ગુજરાત યુનિવર્સિટી ની નીડ કમિટીમાં કોલેજમાં એડમિશન ના ફાળવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોલેજમાં એડમિશનના ફાળવવાના નિર્ણયને લઈને એબીવીપીમાં રોજ જોવા મળ્યો હતો. એબીવીપીના કાર્યકરો આજે મોટી સંખ્યામાં યુનિવર્સિટી પહોંચ્યા હતા. નારાબાજી સાથે કાર્યકરોએ વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન કુલપતિ યુનિવર્સિટી ટાવરમાં આવ્યા હતા, ત્યારે કુલપતિની ઓફિસ બહાર એબીવીપીના કાર્યકરોએ કુલપતિને ઘેરી કાઢ્યા હતા. એક તબક્કે કુલપતિ ધક્કે ચઢ્યા હતા. જેથી તેમણે તેમના ઓફિસની બહારના દરવાજા પણ તાત્કાલિક ખોલાવ્યા હતા અને એબીવીપીના કાર્યકરોને અંદર પ્રવેશ આપવો પડ્યો હતો.
કુલપતિ પોતાની ચેમ્બરમાં જતા રહેતા એબીવીપીના કાર્યકરોએ લોબીમાં બેસીને રામધૂન તથા નારા લગાવ્યા હતા. એબીવીપી દ્વારા કુલપતિ પાસે માંગણી કરવામાં આવી કે, બહાર આવીને જાહેરમાં આવેદનપત્ર સ્વીકારે. જોકે, શરૂઆતમાં કુલપતિએ તમામ લોકોને અંદર આવવા કહ્યું, પરંતુ એબીવીપીના કાર્યકરો બહાર જ રહ્યા, જેથી કુલપતિએ બહાર આવીને આવેદન સ્વીકારવું પડ્યું હતું તથા આવતીકાલે નીડ કમિટીની બેઠક બોલાવીને આ અંગે ચર્ચા કરવા પણ બાહેધરી આપી હતી.