
સંઘ લોક સેવા આયોગ (UPSC) ની સિવિલ સેવા પરીક્ષા (Civil Services Exam) માં બેસનારા ઉમેદવારો માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકાર એવાં ઉમેદવારોને એક વધારાની તક આપવા માટે રાજી થઇ ગઇ છે. જેમાં જેનો વર્ષ 2020માં UPSC સિવિલ સેવા પરીક્ષામાં અંતિમ પ્રયાસ હતો પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેઓ પરીક્ષા ન હોતા આપી શક્યાં.
વિદ્યાર્થીનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
તમને જણાવી દઇએ કે, કોરોના સંક્રમણના કારણે UPSC ની પરીક્ષા આપવાથી વંચિત રહેલા ઉમેદવારો સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યાં હતાં. ત્યારે પરીક્ષામાં બેસનારી એક ઉમેદવાર રચના સિંહે આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી દાખલ કરીને અંતિમ તકવાળા ઉમેદવારોને વધુ એક મોકો આપવામાં આવે તેની માંગ કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કોરોનાને કારણે વર્ષ 2020માં યોજાયેલી UPSC સિવિલ સેવા પરીક્ષા (Civil Services Exam) માં અનેક ઉમેદવારો શામેલ નથી થઇ શક્યાં. આ સાથે કેટલાંક વિદ્યાર્થીઓ એવાં પણ રહ્યાં હતાં કે જેઓ કોરોના મહામારીને કારણે પરીક્ષામાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ નથી આપી શક્યાં.
4 ઓક્ટોબરના રોજ શરૂ થઇ હતી પ્રારંભિક પરીક્ષા
તમને જણાવી દઇએ કે, UPSC એ ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ સિવિલ સર્વિસની પ્રારંભિક પરીક્ષા આયોજિત કરી હતી. આ પરીક્ષા પહેલા મે મહીનામાં યોજાવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે બાદમાં તેને ટાળી દેવામાં આવી. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, ‘UPSC સિવિલ સેવા પરીક્ષા 2020માં જે ઉમેદવારો માટે છેલ્લો ચાન્સ છે તેમાં ઉંમરની સીમા વધારીને વધુ એક મોકો આપવામાં આવે.’
કેન્દ્ર સરકાર વધારાનો મોકો આપવા સહમત ન હોતી
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગે 26 ઓક્ટોબરના રોજ કોર્ટને જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને વધારાનો મોકો આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બાદમાં 22 જાન્યુઆરીના રોજ કેન્દ્રએ જણાવ્યું કે, તેઓ વધુ એક મોકો આપવાના પક્ષમાં નથી કારણ કે તેની સંપૂર્ણ કાર્યપ્રણાલી પર વિપરીત પ્રભાવ પડી શકે છે. આ સાથે જ તેનાથી સમાન અવસરે આપવામાં આવેલા નિયમોનું પણ ઉલ્લંઘન થશે.

પૂર્ણ થઇ ચૂકી છે સિવિલ સેવાની મુખ્ય પરીક્ષા
તમને જણાવી દઇએ કે, સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા 2020 ખતમ થઇ ચૂકી છે. આ પરીક્ષા 8 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. પ્રારંભિક પરીક્ષા પાસ થનારા અંદાજે 10 હજાર ઉમેદવારોને તેની મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં. એવી આશા કરવામાં આવી રહી છે કે, સિવિલ સર્વિસ 2021નું નોટિફિકેશન 10 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હવે આગામી સુનાવણી સોમવારના રોજ થશે.