વિધાનસભા સત્રનો પહેલો દિવસ: રાજ્યમાં દર મહિને ૪૫ મહિલા પર બળાત્કાર થાય છે

  • કોંગ્રેસના ધારાસભ્યાએ મુખ્યમંત્રી અને મંત્રીઓનું સન્માન કરવાની ના પાડી દીધી.

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું તેમજ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એલ લોન્ચ કરવામાં આવી હતી. વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્ર્ન કર્યો હતો કે ગુજરાતમાં દર મહિને ૪૫ મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. ત્યારે હર્ષ સંઘવીએ જવાબમાં જણાવ્યું હતું કે ગાંધીની ભૂમિ પર આ ક્રાઈમ રેટ પોષાય નહીં.

ગુજરાત વિધાનસભામાં રાજ્યની મહિલાઓની સુરક્ષાને લઇને કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યમાં મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવવામાં આવશે? એ બાબતે કોગ્રેસના બન્ને ધારાસભ્ય દ્વારા સરકારને પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તુષાર ચૌધરીએ ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારના આંકડા રજૂ કરીને સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નેશનલ ક્રાઈમ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલા બળાત્કાર અને મહિલા અત્યાચારના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે ૫૫૦ મહિલા બળાત્કારનો ભોગ બને છે. રાજ્યમાં દર મહિને ૪૫ મહિલા પર બળાત્કાર થાય છે. રાજ્યમાં દર મહિને ૧૦૦ મહિલાઓ પર હુમલા થાય છે. આ મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે કોઇ કમિટી બનાવી છે કે નહીં? અથવા રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં? આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો? એની માહિતી સરકાર પાસે માગી હતી.

રાજ્યમાં મહિલા સુરક્ષા અને કમિટી બનાવવા બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. બળાત્કાર જેવા ગુના સાથે જોડાયેલા ૬૮ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં ૨૪ કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. સુરતમાં બળાત્કારના ગુનામાં આરોપીને ૬૦ દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં બળાત્કાર જેવો એકપણ ગુનો ન નોંધાઇ એ માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ખૂબ ઓછો છે. દેશમાં બળાત્કારનો ક્રાઈમ રેટ ૪.૮ ટકા છે, જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ ૧.૮ ટકા છે. મારું માનવું છે કે ગુજરાતનો ક્રાઈમ રેટ ૧.૮ ટકા વધુ છે. ગુજરાતમાં એકપણ બળાત્કાર ગુનો નોંધાઈ તો સદનમાં બેઠેલા બધા માટે શરમજનક બાબત છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાના પ્રશ્ર્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા સમિતિ મામલે ૨૭ વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી ૨૦૧૪ અને ૨૦૧૭માં બનાવામાં આવી હતી, પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. ૨૭ વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે ને ૨૦૧૭માં બનાવામાં આવી હતી, પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું.

જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓનું સન્માન કરવાની ના પાડી દીધી હતી તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ પોસ્ટર સાથે ‘બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા ગૃહમાં જ્યારે હાજર મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું, એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને સંસદીય મંત્રી ૠષિકેશ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જોકે અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુએ વિધાનસભાગૃહના તમામ સભ્યોને ૧૩ મિનિટ સુધી સંબોધિત કર્યા હતા. આ સંબોધનની શરૂઆતમાં જ તેમણે ગુજરાતના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિ વાગોળી હતી. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે આજે જ્યારે બે વર્ષ પૂરાં કર્યા છે ત્યારે રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગવર્નમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઇ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે.