વિધાનસભા ચુંટણીને લઈ ગુજરાત અને મઘ્યપ્રદેશની સરહદી વિસ્તારમાં બંને પોલીસ અધિક્ષકોની બેઠક યોજાઈ


ગરબાડા,
રાજય વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને મઘ્યપ્રદેશના સરહદી વિસ્તાર આઝાદ નગર ખાતે બંને રાજયોના સરહદી પ્રાંતના પોલીસ અધિક્ષકોની અઘ્યક્ષતામાં આંતરરાજય સરહદી બેઠકનુ આયોજન કરાયુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને તા.6ના રોજ મઘ્યપ્રદેશના આઝાદ નગર ખાતે આંતરરાજય સરહદી બેઠકનુ આયોજન કરાયુ હતુ. જેમાં પોલીસ અધિક્ષક અલીરાજપુર તથા પોલીસ અધિક્ષક દાહોદ જિલ્લાના માર્ગદર્શન હેઠળ બંને રાજયોના સરહદી ગામડાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સરહદી ગામડાઓમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, સરહદી ગામડાઓમાં રહેતા અસામાજિક તત્વો પર નજર રાખવા, હથિયારો અને અન્ય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો પર નજર રાખવા, અને તેમની સામે પગલા લેવા, બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનુ સઘન ચેકિંગ કરી અટકાયતી પગલા લેવા, ફરાર આરોપીઓની યાદીનુ સંકલન અને વિનિમય અને વોરંટ બજાવવા જેવી કાર્યવાહી કરવા અને સરહદી ગામોમાં નિયમિત પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરવી જેવી કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.