વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે દાહોદ જીલ્લા વહીવટી તંત્ર ઈલેકશન મોડમાં આવ્યું

દાહોદ,
ઈલેક્શન કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર અગામી બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 લી ડિસેમ્બરના રોજ 89 તેમજ બીજા તબક્કાની 93 બેઠકો પર 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠકો પર યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચોક્કસથી વેગવંતી બનશે. ત્યારે બીજેપી દ્વારા તાજેતરમાં ચૂંટણી અંગે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર 84 જેટલાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ ગરબાડા બેઠક પરથી ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે બીજેપી હાઈકમાન્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આગામી ત્રણ દિવસમાં ઉમેદવારોની પસંદગી પર મોહર લાગી જશે. જયારે કોંગ્રેસ દ્વારા 98 ઉમેદવારોના નામો ફાઇનલ કરી દીધા છે. પરંતુ થોબો અને રાહ જુઓની નીતિ અપનાવી ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર થયાં બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામો જાહેર કરાશે. જોકે, આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 110 જેટલાં ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. ત્યારે આજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતાની સાથે સમગ્ર ગુજરાત સહીત દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર ઈલેક્શન મોડમાં આવી ગયાં છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓમાં પૂરજોશથી જોતરાઈ ગયા છે. સાથે સાથે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગી તેમજ બેઠકો દીઢ સમીકરણો જોતા અલગ રીતે તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ વહીવટી તંત્રે બપોર બાદ રાજકીય પક્ષોના બેનરો તેમજ સિમ્બોલ ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાલ વિધાનસભાની ચૂંટણીને એક મહિનો બાકી છે. ત્યારે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.