
- ’એક પેડ ર્માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરતા વિધાનસભાના ઉપાધ્યક્ષ.
વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજ, નારૂકોટ તા. જબુઘોડા ખાતે જીલ્લાકક્ષાના 75મા વન મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપાધ્યક્ષએ ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ ર્માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરૂં પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે. વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકો સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે, જે આપણને જીવાડે છે, એવાં ઝાડવાંને આપણે જીવાડવાં પડશે. વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે છે, આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ. જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષ ને કાપતો નથી.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સામાજીક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ લાભ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા કલેકટર આશિષ કુમાર, નાયબ વન સંરક્ષક ગાંધીનગર ડો. શકીરા બેગમ, ગોધરા નાયબ વન સંરક્ષક એમ.એલ.મીના, ડો.એમ.ડી.જાની સહિત વિવિધ મહાનુભાવો વન વિભાગના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.