- કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા સંસદીય મંત્રી ૠષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યા બાદ અયક્ષ દ્વારા કાર્યવાહી કરાઇ
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિધાનસભા અયક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે ટૂંકી મુદ્દતના પ્રશ્ર્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ર્ન ઉઠાવાયા હતા. આ સાથે બેનર સાથે ગૃહમાં દેખાવો કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વોક આઉટ કર્યુ હતું. જે બાદમાં વિધાનસભા અયક્ષ દ્વારા ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિધાનસભાની બેઠકની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોના ટૂંકી મુદ્દતના પ્રશ્ર્નો રદ્દ થતાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સરસ્વતિ સાધના યોજના સહિતના ૧૮ પ્રશ્ર્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. જેને લઈને અયક્ષે જણાવ્યું હતું કે, નિયમ વગર કામ ન કરી શકાય, કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે, હું ચર્ચા કરવાનો મોકો આપીશ.
આ તરફ પ્રશ્ર્નો રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવ્યા હતા. જેને લઈને અયક્ષે જણાવ્યું હતું કે, પહેલેથી નક્કી કરી બેનર બતાવો તે યોગ્ય નથી. આ તરફ વિધાનસભા અયક્ષે સાર્જન્ટને બેનર લઈ લેવા સૂચના આપી હતી. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ માંથી વોક આઉટ કર્યું છે.. આ સાથે લોકશાહીની હત્યા બંધ કરો ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો હતો. આ તરફ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા સંસદીય મંત્રી ૠષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યા બાદ અયક્ષ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જનતાના ટેક્ષના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે, લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહી થાય તેનો ખર્ચ એ પ્રજાના ટેક્ષના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્ષના પૈસાથી ચૂકવાય છે. એ લોકશાહીના મંદિરમાં પ્રજાને પડતી તકલીફો, સમસ્યાઓ પીડાઓ, પ્રજાના ટેક્ષના પૈસે જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, ગેરવહીવટ થઇ રહ્યો છે. જયારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજુ કરે તે પ્રશ્ર્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, સમસ્યાઓ, ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય. ભ્રષ્ટાચારમાં રાચતી સરકાર અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે.
તેમણે કહ્યું કે ભાજપના મળતિયાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, એની કોઈ ચર્ચા ના થાય, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલે આ સરકાર ચર્ચા કરવાથી ભાગી રહી છે. કોંગ્રેસ તરફથી ભ્રષ્ટાચારના, ગેરવહીવટના મુદ્દાઓ, પ્રશ્ર્નો પૂછ્યા હતા, રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત, મુલસાણા, ડુમ્મસ કે ગૌચરની જમીનના પ્રશ્ર્નો, સાયકલની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની વાત, કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત, ગુજરાતમાં ઠેરઠેર પકડાયેલ ડ્રગ્સ – દારૂની વાત, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર ફૂટવાની વાત,માં ભરતીની વાત, અને આખા ગુજરાતમાં ચારે તરફ થઇ રહેલ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને ઉજાગર કરવાની વાત હોય, આ તમામ કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્ર્નો દાખલ કરવામાં નથી આવતા, પરંતુ સરકારની વાહવાહી કરવાવાળા, સરકારને ખોટી રીતે પ્રોત્સાહીત કરવાવાળા પ્રશ્ર્નો દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે. વિપક્ષ દ્વારા દસ દિવસનું સત્ર બોલવાની માંગણી કરી હતી પરંતુ ચર્ચામાંથી ભાગતી આ સરકાર પોતાનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છુપાવવામાં માટે ફક્ત બતાવવા પુરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક નથી આપતા, પ્રજાલક્ષી પ્રશ્ર્નો દાખલ કરવામાં નથી આવતા, ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. એના વિરોધમાં પ્રજાના અવાજને રજુ કરવાની તક નથી આપતા અને કોંગ્રેસના પ્રશ્ર્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે વોકઆઉટ કર્યો છે.