- જિલ્લા પોલીસ દ્વારા માર્ચપાસ્ટ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી કરાયા સન્માનિત.
- જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાખો લોકોને ઘર આંગણે જ યોજનાકીય લાભ મળ્યા,સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઈ.
- વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ,વાઈબ્રન્ટ પંચમહાલ અંતર્ગત પણ રૂ. 133.45 કરોડના 39 એમ.ઓ.યું કરાયા.
- 2022-23માં 2 લાખ 77 હજાર 288 પશુઓની સારવાર, 7 લાખ 74 હજાર 833 પશુઓનું રસીકરણ કરાયું.
- જિલ્લામાં 55.95 કરોડના ખર્ચે અલગ અલગ કુલ 54.32 કિ.મીની લંબાઈ ધરાવતા 06 રોડનું કામ પ્રગતિ હેઠળ.
- છેલ્લા દોઢ વર્ષમાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના 4,755 ખેડૂતોને રૂ.1562.38 લાખની સહાય ચુકવાઈ.
ગોધરા, પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકાના સાલીયા (સંતરોડ) ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન, બાન, શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી.
આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રીએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો-સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી 75મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે શુભકામનાઓ સાથે જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે, જે-જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે, ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણને મહામુલી આઝાદી અપાવી છે, આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરૂં પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. અનેક દેશી રજવાડાંઓને અખંડ ભારતમાં ભેળવવાનું કાર્ય કરનાર લોહપુરૂષ સરદાર પટેલનું ઘડતર પણ પંચમહાલ અને ગોધરામાં થયું હતું. રાજ્યની વિકાસ યાત્રામાં પંચમહાલ જિલ્લો પણ કદમથી કદમ મિલાવી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ વાઈબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિમાં રાજ્ય સરકારને કુલ રૂ. 45 લાખ કરોડનું રોકાણ મળ્યું છે, જેમાંથી રૂ.26.33 લાખ કરોડના રોકાણના મેમોરેન્ડ્મ ઓફ એન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઈન થયા છે.વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ,વાઈબ્રન્ટ પંચમહાલ અંતર્ગત પણ રૂ. 133.45 કરોડના 39 એમ.ઓ.યું કરાયા છે.
તેમણે પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યો અંગે જણાવ્યું કે, અંદાજે રૂ.692/- કરોડના ખર્ચે આણંદ ગોધરા ડબલિંગ પ્રોજેક્ટનું કામ હાલ પ્રગતિશીલ હેઠળ છે. જિલ્લામાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. જેનાથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે.પંચામૃત ડેરીએ વર્ષ 2023-24માં દૈનિક 25 લાખ લિટર દૂધ સંપાદન કર્યું છે તથા વાર્ષિક 5 હજાર કરોડના ટર્ન ઓવર સુધી પહોચ્યા છીએ.વાર્ષિક ટર્ન ઓવરમાં 29 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. પશુ સારવાર સંસ્થાઓ મારફતે સને 2022-23માં 2 લાખ 77 હજાર 288 પશુઓને સારવાર આપવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ- 2023-24માં ડિસેમ્બર અંતિત સુધી 1 લાખ 7 હજાર 813 પશુઓને સારવાર આપવામાં આવી છે. 7 લાખ 74 હજાર 833 પશુઓનું રસીકરણ કરાયું છે.પંચમહાલ જિલ્લામાં 55.95 કરોડના ખર્ચે અલગ અલગ કુલ 54.32 કિ.મીની લંબાઈ ધરાવતા 06 રોડનું કામ પ્રગતિ હેઠળ છે.જિલ્લામાં 38.17 કિ.મી લંબાઈ ધરાવતા ત્રણ રોડના કામ મંજૂર થયા છે,જેનું નિર્માણ કાર્ય હવે થોડા સમયમાં શરૂ થશે. રૂ.રર.07 કરોડના ખર્ચે ગોધરા ખાતે નવીન મલ્ટીસ્ટોરી આઈ.ટી.આઈ.નું કામ, રૂ.3.6પ કરોડના ખર્ચે ગોધરા સરકીટ હાઉસ ખાતે વધારાના નવીન છ સ્યુટના બાંધકામનું કામ પૂર્ણ થયું છે. 307.76 લાખના ખર્ચે નવિન આર.પી.આઈ. કચેરી ઊભી કરાઈ, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના રહેઠાણ માટે અદ્યત્તન સુવિધાઓથી સજ્જ કુલ-380 નવિન રહેણાંક મકાનો બનાવાયા છે. રૂ.244.57 લાખના ખર્ચે કાંકણપુર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. રૂ.268.60 લાખના ખર્ચે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.પાવાગઢ સેમી અર્બન પોલીસ સ્ટેશન રૂ.180.86 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ થકી અત્રેના જિલ્લાના 4,755 ખેડૂતોને રૂ.1562.38 લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લામાં વર્ષ 2022-23માં 17099 આવાસો મંજૂર થયા છે. સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લાના 153 ગામ મોડેલ બનાવવામાં આવ્યા છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત આપણા જિલ્લામાં કુલ 406.26 લાખની સહાય ચુકવવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચપાસ્ટ રજૂ કરાઈ હતી. વિકાસના કામો અર્થે મોરવા હડફ તાલુકાને રૂ.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જિલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, રેંજ આઈ.જી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા સહિત પોલીસ જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ,જિલ્લાના અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.