
- કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષને ન્યાય આપોની માંગ સાથે તેઓએ નારેબાજી કરી.
ગાંધીનગર,
આજે ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ હતુ. જો કે ૧૫મી વિધાનસભા સત્રના પ્રથમ દિવસની શરૂઆત જ હોબાળાથી થઈ. શાસક પક્ષે નિયમોનું ઉલ્લંઘન કર્યાના આરોપ સાથે વિપક્ષે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું. તો આ સાથે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગ્રેસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસે સરકારી વિધેયકને પ્રાથમિક્તા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો કે- કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચાની કોઈ જાણ કરવામાં નહોતી આવી. નિયમો પ્રમાણે ૨થી ૩ દિવસ આભાર પ્રસ્તાવની ચર્ચા કરવાની હોય છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરીને ૨ કલાકમાં જ ચર્ચા પૂરી કરી દેવામાં આવી. મોઢવાડિયાએ કહ્યું કે, તેમણે આ મામલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી હતી. તેમ છતાં જવાબ આપ્યા વગર સીધા આભાર પ્રસ્તાવની ચર્ચા શરૂ કરી દેવાઈ હતી. તેમણે કહ્યું કે- વિપક્ષ પાસે પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો અધિકાર હોય છે. પરંતુ તે અધિકાર તેમની પાસેથી છીનવી લેવાયો છે. આ બાબતે રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવશે.કોંગ્રેસના વોક આઉટ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ ચર્ચા નિયમોના ભંગ સમાન છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક વગર કામકાજનો એજન્ડા નક્કી ન થઈ શકે. નિયમોનો પહેલા જ દિવસે ભંગ થઈ રહ્યો છે. અમે નેતા નક્કી નથી કર્યા પણ શાસક પક્ષે પણ નામ નથી માંગ્યા.
બીજી તરફ કોંગ્રેસના પોઈન્ટ ઓફ ઓર્ડર બાદ સંસદીય બાબતોના મંત્રી ૠષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, કમનસીબી છે કે કોંગ્રેસ નેતા નક્કી નથી કરી શકી, એટલે કોઈની સાથે વાત થઇ શકી નથી. જોકે વિધાનસભાના પૂર્વ અયક્ષના ચુકાદાને ટાંકીને આભાર પ્રસ્તાવ યોગ્ય હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. તો વોક આઉટ બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિની રચના થઈ નથી. તેના વગર વિધાનસભા ગૃહની કામગીરી નક્કી ન થઈ શકે. સંસદીય બાબતોના મંત્રી અમારી ચિંતા કરે છે એ યોગ્ય છે પણ નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે.
વોક આઉટ બાદ વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષને ન્યાય આપોની માંગ સાથે તેઓએ નારેબાજી કરી. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે પણ થઈ નથી. માત્ર ૨ કે ૩ કલાક માં પૂરું કરવાનું આયોજન છે. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે.રાજ્યપાલ અને અયક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશુ. અમારી પાર્ટી એ ઠરાવ કરીને નામ મોકલવાના હોય છે. તેની સૂચના અયક્ષ શાસક અને વિરોધ પક્ષને કરવામાં આવતી હોય છે. ૧ દિવસમાં ચર્ચા પૂરી કરવાની શક્ય જ નથી.
આ પહેલા શંકર ચૌધરીએ વિધાનસભા અયક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ યુવા સ્પીકર બન્યા છે. ત્યારે અયક્ષ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યુ હતુ કે, અયક્ષ તરીકે પક્ષ અને વિપક્ષ બંનેના ધારાસભ્યોને સંતોષ થાય એવી કામગીરી કરીશ. તટસ્થ રહેવાનો પ્રયાસ કરીશ. સામાન્ય પ્રજામાં વિધાનસભામાં માત્ર ઝગડા જ થાય છે એ છાપ દૂર કરવા પ્રયત્ન કરીશ. સાથે જ યુવાનોને સંસદીય પ્રણાલી સાથે જોડવાનો સતત પ્રયાસ કરવામાં આવશે.
બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે ચૂંટણીમાં આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. શંકર ચૌધરી ૨૦૧૪માં રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન છે અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. જેઠા ભરવાડની સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં પણ સારી પકડ છે. તેમણે પણ પોતાનો પદભાર સંભાળ્યો છે.