ગાંધીનગર, છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ ૨૦૧૩માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે.ગુજરાતમાં તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૬.૫૮ લાખ,અરવલ્લી જિલ્લામાં ૨.૧૨ લાખ તેમજ સાબરકાંઠામાં ૨.૭૨ લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાય કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્ર્નોત્તરી કાળમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નોનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું.
પટેલે પેટા પ્રશ્ર્નનો જવાબ આપતા કહ્યું હતું કે પીએમજેએવાય યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૬૮.૨૫ કરોડના ખર્ચે ૩૭,૮૪૦ લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૨૭૦ લાભાર્થીઓને રૂ. ૩૦.૦૨ કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૫૩,૧૯૦ લાભાર્થીઓને રૂ. ૧૧૬.૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં કુલ ૪૫ માંથી ૨૭ સરકારી ૧૮ ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં ૫૯માંથી ૪૪ સરકારી અને ૧૫ ખાનગી જ્યારે સાબરકાંઠામાં ૯૧ માંથી ૬૨ સરકારી અને ૨૯ ખાનગી હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.