હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ ત્રણ અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ, કેએલ ઠાકુર અને આશિષ શર્માના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભા અધ્યક્ષ સોમવારે પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી હતી. પઠાનિયાએ કહ્યું કે હોશિયાર સિંહ, કેએલ ઠાકુર અને આશિષ શર્માએ ૨૨ માર્ચે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
ત્રણેય ૨૩ માર્ચે ભાજપમાં જોડાયા હતા. આ સંદર્ભમાં, જગત નેગીની અરજી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ મળી હતી અને વિધાનસભાએ પણ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ હવે ત્રણેયના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે ત્રણેય વિધાનસભાના સભ્ય નથી. પઠાનિયાએ કહ્યું કે, જોકે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ મળેલી અરજીની અંતિમ સુનાવણી હજુ થવાની બાકી છે. બીજી તરફ અપક્ષોના રાજીનામા સ્વીકાર્યા બાદ ખાલી પડેલી દેહરા, નાલાગઢ અને હમીરપુર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે.
કેએલ ઠાકુરે કહ્યું કે વિલંબ બાદ યોગ્ય નિર્ણય આવ્યો છે. રાજીનામું આપવાનો હેતુ એ હતો કે લોક્સભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજવી જોઈએ જેથી સરકારના પૈસા બચી શકે. શિક્ષકોની ચૂંટણી ફરજના કારણે બાળકોના શિક્ષણને અસર થાય છે. ઉપરાંત વિકાસના કામોને પણ અસર થાય છે. હવે ત્રણ બેઠકોની પેટાચૂંટણીને કારણે ત્રણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થશે, જેના કારણે વિકાસના કામો પ્રભાવિત થયા છે.
ત્રણેયના રાજીનામા બાદ હવે વિધાનસભામાં ૫૯ ધારાસભ્યો બચશે. કોંગ્રેસના ૩૪ અને ભાજપના ૨૫ ધારાસભ્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ નવી સંખ્યાત્મક તાકાત સ્પષ્ટ થશે.