ગાંધીનગર: આજે પાલનપુર માર્કેટયાર્ડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કોથળામાં રાયડો હોવાથી આગે વિકરાળરુપ ધારણ કર્યું હતું. આજે બપોરે 12 વાગ્યે ગૃહ શરુ થયું હતું, પરંતુ પ્રશ્નોતરી દરમિયાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્ને આ ઘટનાથી અજાણ હોવાથી વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે તેમનું ધ્યાન દોર્યું હતું કે પાલનપુર એપીએમસી ખાતે ભીષણ આગ લાગી છે. જેથી મુખ્યમંત્રી સ્થાનિક તંત્રને સૂચના આપે, પ્રભારી મંત્રી હાલ ગૃહની કાર્યવાહીમાં વ્યસ્ત છે. જેથી મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રી જવાબદારી લઈને વધુ નુકસાન અટકે તે માટે સૂચના આપે.
જેને પગલે ગૃહમંત્રી તરંત ગૃહની બહાર દોડ્યા હતા અને પાલનપુર એસપી સાથે સીધી વાતચીત કરી હતી અને જરુર પડે તો મહેસાણા પોલીસની મદદ લેવા પણ જણાવ્યું હતું. ગૃહમંત્રીની સૂચનાથી વધુ 7 જેટલી પોલીસ ટુકડીઓ આગના સ્થળે રવાના કરાઇ હતી. શણની બેગમાં રાયડો હોવાથી આગ ઝડપથી પકડાઇ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જોકે, જાનહાની ના કોઇ સમાચાર નથી.
આ મામલે વિધાનસભાની પ્રશ્નોત્તરી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવાયું હતું. તેમણે કહ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. આ ઉપરાંત આગ બુઝાવવા માટે આજુબાજુના વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓમાંથી ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. જેના પરિણામે મોટી જાનહાની અને નુકસાન રોકી શકાયું છે. પ્રાથમિક તારણ એવું સામે આવ્યું છે કે, આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટસર્કીટ હોઈ શકે છે. માર્કેટયાર્ડમાં આ આગનો બનાવ બનતા 10 દુકાનો ઝપેટમાં આવી હતી. જેમાં રહેલ અનાજ બળીને ખાખ થઈ જતાં વેપારીઓને નુકશાન થયું છે.