વિધાનસભા ચૂંટણી ૨૦૨૩: વૃદ્ધો, બીમાર અને અપંગો ઘરે બેસીને મતદાન કરી શકશે

જયપુર,\ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જયપુરમાં પત્રકાર પરિષદમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવાનો સંકેત આપ્યો છે. ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પંચ રાજસ્થાનમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત ચૂંટણીની તમામ તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. રાજકીય પક્ષો ઉપરાંત, ડીજીપી પોલીસ સહિત રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટર, એસપી, એન્ફોર્સમેન્ટ એજન્સી અને મુખ્ય સચિવ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારના પ્રલોભનોને મંજૂરી આપવામાં આવશે નહીં.

કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં મતદાન વધે તે માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત મતદારોને ઘરે ઘરે મતદાનનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ સાથે, સી વિજિલ એપ દ્વારા, સામાન્ય માણસ ચૂંટણીમાં કોઈપણ ગેરરીતિના કિસ્સામાં સીધો ચૂંટણી પંચને જાણ કરી શકશે. મતદાર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદનો નિર્ધારિત સમયમાં નિકાલ કરવામાં આવશે. રાજીવ કુમારે કહ્યું કે તેલંગાણામાં ૩ થી ૫ ઓક્ટોબર સુધી ચૂંટણી તૈયારીઓની સમીક્ષા થશે. ત્યાર બાદ ૬ઠ્ઠી ઓક્ટોબરે તમામ ૫ રાજ્યોના ચૂંટણી નિરીક્ષકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે. બેઠક બાદ દિલ્હીથી જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદારો ઘરે બેઠા મતદાન સુવિધા દ્વારા પોતાનો મત આપી શકશે. આ સુવિધા વૃદ્ધો, બીમાર અને અશક્તોને આપવામાં આવશે. તે જ સમયે, આ ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર્સની ભાગીદારી પણ સંપૂર્ણ રીતે સુનિશ્ર્ચિત કરવામાં આવશે. આ સિવાય ચૂંટણી પંચે રાજસ્થાનના અધિકારીઓને કડક તકેદારી રાખવા અને આસપાસના રાજ્ય અને પાકિસ્તાન સરહદ પર પણ સતર્ક રહેવા સૂચના આપી છે.

ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજસ્થાનમાં મતદારોની અંતિમ યાદી ૪ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાજીવ કુમારે કહ્યું કે ૫૦ ટકા પોલિંગ બૂથ પરથી લાઈવ ટેલિકાસ્ટ થશે. આ માટે ૨૬ હજાર કેમેરા લગાવવામાં આવશે. ચૂંટણીમાં દારૂ, ડ્રગ્સ અને રોકડને મંજૂરી આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિષ્પક્ષ, મુક્ત અને પ્રલોભનમુક્ત ચૂંટણી યોજવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે રાજસ્થાનના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.