
મુંબઈ,
વિધાન પરિષદની નાશિક અને અમરાવતી વિભાગના સ્નાતક મતદારસંઘ અને ઔરંગાબાદ, નાગપુર, કોકણ વિભાગ શિક્ષક મતદારસંઘની ચૂંટણીને લઈને રાજ્યમાં નાટ્યાત્મક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. નાશિક અને નાગપુરની બેઠકોને લઈને મહાવિકાસ આઘાડી સરકારમાં આંતરવિગ્રહ જોવા મળી રહ્યો છે અને તેને શાંત કરવાના પ્રયાસો નિષ્ફળ જતા જોઈને હવે એનસીપીસુપ્રીમો શરદ પવાર મેદાનમાં આવ્યા છે.શરદ પવારે, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતની સાથે ફોન પર વાત કરી હતી.
નાશિક મતદારસંઘ કૉંગ્રેસને માટે છોડવામાં આવ્યો હતો, પરંતુ ડૉ. સુધીર તાંબેએ ઉમેદવારી નોંધાવવાને બદલે પોતાના પુત્રને સત્યજિત તાંબેને અપક્ષ ઉમેદવારી કરવા દીધી હતી. સત્યજિત તાંબે ભાજપના ઉમેદવાર હોવાનું કહેવાઈ રહ્યું હોવાથી ભાજપમાંથી ઉમેદવારી મેળવવા માગતી શુભાંગી પાટીલે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી અને ઉદ્ધવે તેમને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરી હતી, પરંતુ આ બધામાં નાગપુરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના જે ઉમેદવાર ઊભા રહેવાના હતા તેની જગ્યાએ કૉંગ્રેસના ઉમેદવારને તક મળવી જોઈએ એવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, પરંતુ હવે ઉમેદવાર પીછેહઠ કરવા તૈયાર નથી. આમ ઉદ્ધવ ઠાકરે વિધાનપરિષદની ચૂંટણીમાં નાશિક માટે અલગ અને નાગપુર માટે અલગ એમ બેવડું ધોરણ અપનાવી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે.