દાહોદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો જંગ જામ્યો છે. ત્યારે આ તમામ રાજકીય ગતિવિધિઓની વચ્ચે પક્ષપલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. જે અંતર્ગત દે. બારીયા નગરપાલિકાના ભાજપના વર્તમાન કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના 10 થી વધારે આગેવાનોએ આજરોજ ભાજપને રામરામ કરી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષના હસ્તે આમ, આદમી પાર્ટીમાં જોડાઈ જતા દેવગઢ બારીયાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટો કરવાની મોસમ પણ પુર બહારમાં ખીલી છે. ત્યારે આજે દેવગઢ બારીયા તાલુકા માંથી ભાજપ માટે આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલમાં દેવગઢ બારીયાના વર્તમાન કાઉન્સિલર અક્ષયભાઈ જૈન, પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઝાલા, પાલિકાના પૂર્વ કાઉન્સિલર જીતેન્દ્ર કુમાર મોહનિયા અને તેમના સાત જેટલા સમાજના આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર મથકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાના નિવાસ સ્થાને જઈ અને પાલિકાના સભ્ય અને પ્રમુખ સહિત તેમજ પૂર્વ કાઉન્સિલર સહિત 7 જેટલા આગેવાનોએ ભાજપને રામરામ કરી અને આમ આદમી પાર્ટીનો ખેર ધારણ કર્યો હતો. ત્યારે આજ રોજ દેવગઢ બારિયા ભાજપમાં ભંગાણ સર્જાતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.