વિદેશ જવાનો મોહ ભારે પડ્યો! અમેરિકા લઈ જવાના બહાને એજન્ટોએ ૫૦ લાખ પડાવ્યા

વિદેશ મોકલવાની લાલચ આપીને એજન્ટો લાખો અને કરોડો રૂપિયા ચાંઉ કરી જતા હોય તેવા અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે. તેવું જ ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ ગામમાં રહેતા એક પરિવાર સાથે બન્યું છે. વિદેશ જવાનો મોહ બતાવીને એજન્ટોએ ૫૦ લાખ રૂપિયા પડાવી લીધા. માત્ર રૂપિયા પડાવ્યા એટલું જ નહીં પરંતુ એક સમયે તો એવો દિવસ આવી ગયો હતો ભારત પરત ફરવું પણ મુશ્કેલ પડી ગયું હતું. જે બાદ ભોગ બનનાર જીતેન્દ્ર પરમારના ભાઈ ભાવિક પરમારે પોલીસ ફરિયાદ નોંધાવતા એજન્ટ ભાવેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.

કલોલ ગામમાં રહેતા જીતેન્દ્ર પરમાર તેમના પત્ની વર્ષબેન તેમના પુત્ર નક્ષિતને અમેરિકા મોકલવાની લાલચ આપીને એજન્ટએ એક કરોડની માગણી કરી હતી. પરંતુ છેલ્લે ૪૦ લાખમાં તમામને અમેરિકા મોકલી આપવાની ડીલ ફાઇનલ થઈ હતી. તેમજ એજન્ટ મિહિર પટેલ કે જેને જીતેન્દ્ર પરમારના પરિવારને માત્ર અમેરિકા મોકલવાની જ નહીં પરંતુ રહેવાની અને નોકરીની વ્યવસ્થા કરી આપવાની પણ લાલચ આપી હતી. જીતેન્દ્ર પટેલ અને તેમના પરિવારને અમેરિકા મોકલવાની લાલચ આપી અલગ અલગ દેશમાં ફેરવવામાં આવ્યા. માત્ર એટલું જ નહીં પરંતુ મલેશિયામાં તો એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. એક સમયે તો જીતેન્દ્ર પરમારના પરિવારને વતન પરત ફરવું પણ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે સમગ્ર ઘટના કંઈ રીતે બની અને એજન્ટો કંઈ રીતે ૪૦ લાખ ચાઉ કરી ગયા તેને લઈને ફ્ફ ની ટીમે ભોગ બનનાર જીતેન્દ્ર પરમાર સાથે વાતચીત કરી છે.

એજન્ટનો ભોગ બનનાર જીતેન્દ્ર પરમારની વાત સાંભળતા રૂંવાટા ઊભા થઈ જાય છે. મિહિર પટેલ નામના એજન્ટએ થાઈલેન્ડથી અમેરિકા મોકલવાનું કહીને જીતેન્દ્ર પરમાર અને તેમના પરિવારને થાઈલેન્ડ મોકલ્યા હતા. જીતેન્દ્ર પરમાર અને તેમના પરિવારના સાથે ભાવેશ પટેલ નામનો એજન્ટ પણ સાથે ગયો હતો. અલગ અલગ દેશમાં ફેરવીને જીતેન્દ્ર પરમારના ભાઈ પાસેથી લાખો રૂપિયા પડાવી દીધા છે. તેમજ મોરોક્કોમાં લઈ જઈને એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાંથી વતન પરત આવવું પણ જીતેન્દ્ર પટેલ અને તેમના પરિવાર માટે મુશ્કેલ બની ગયું હતું. પરંતુ જીતેન્દ્ર પરમાર અને તેમનો પરિવાર હેમખેમ વતન પરત આવી જાય છે. જે બાદ જીતેન્દ્ર પરમારના ભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાવતી વખતે ભાવિક પરમારે લખાવ્યું હતું કે એજન્ટો પાસે દ્ગઇૈં વિઝા હોવાથી જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો દેશ છોડીને ભાગી શકે છે. પોલીસની ધીમી કામગીરીને કારણે મુખ્ય એજન્ટ મિહિર પટેલ અને તેમનો પરિવાર ફરાર થઈ ચૂક્યો છે. તેમજ પોલીસે એજન્ટ ભાવેશ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મુવીની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના કલોલના જીતેન્દ્ર પરમાર અને તેમના પરિવાર સાથે બની છે. જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને યોગ્ય તપાસ કરીને આવા એજન્ટોને પકડવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગુજરાતના વધુ કેટલાક પરિવાર આવા એજન્ટોનો ભોગ બની શકે છે.