
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક ગુજરાતી યુવકની હત્યાના સમાચારે સમગ્ર ગુજરાતી સમાજને હચમચાવી નાખ્યો છે. મેલબોર્નના બરવૂડ વિસ્તારમાં રહેતા મૂળ નવસારીના બીલીમોરાના વતની મિહિર દેસાઈની તેમના જ રૂમમેટે ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં નજીકના ઘરેથી 42 વર્ષીય ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને પડોશીઓની પૂછપરછ પણ શરૂ કરી છે. જો કે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાને પગલે મેલબોર્નના સ્થાનિક ગુજરાતી સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બીલીમોરામાં મિહિરના પરિવારજનો પણ આ આઘાતજનક સમાચારથી સ્તબ્ધ છે. મેલબોર્ન પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.