વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત : મુન્દ્રા પોર્ટ પર દુબઈથી આવેલી ૬.૫ કરોડની સિગારેટનો જથ્થો સીઝ

  • ઓટો એર ફ્રેશનર નામે આવેલા કન્ટેનરમાં પાછળના ભાગે મેડ ઈન તુર્કી સિગારેટ્સ મળી
  • અમદાવાદ ડિઆરઆઈના ઓપરેશનમાં 32.5 લાખ સિગારેટ મળી આવી

ડિઆરઆઈએ ઓપરેશન સિગારેટને અંજામ આપીને મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાંથી 32.5 લાખ સ્ટીક્ની 6.5 કરોડની કિંમતની સિગારેટને સીઝ કરાઈ છે.ચોક્કસ બાતમીના આધારે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની અમદાવાદ શાખા દ્વારા મુંદ્રા બંદર પર આયાત માલસામાનને ગત દિવસે અટકાવીને તપાસ હાથ ધરાએ હતી. શંકાસ્પદ કન્સાઇનમેન્ટમાં ઓટો એર ફ્રેશનર હોવાનું જાહેર કરીને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું હતું.

આ માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરની પહેલી પંક્તિના સામાનમાં ખરેખર જે માલસામાન જાહેર કરાયેલો તે એટલે કે ઓટો એર ફ્રેશનરનો હતો. તેની પાછળ, તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ ગોલ્ડ ફ્લેક્સ હતી. આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર મેડ ઈન તુર્કીના ચિહ્નીંત હતું. પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 32.5 લાખ સ્ટીક્સ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 6.5 કરોડ લગાવાઈ છે. એવું પણ જોવામાં આવ્યું હતું કે સિગારેટના કેટલાક પેકેટો પર “મેડ ઈન ઈન્ડિયા’ લખેલું હતું. નકલી સિગારેટને આયાત કરવાના પ્રયાસ રુપે પણ આને જોવાઈ રહ્યું છે, જે આગળ જતા તપાસનો વિષય બનશે. આ જપ્તી ડીઆરઆએ માટે મોટી સફળતા છે અને ભારતમાં વિદેશી સિગારેટની દાણચોરી પર તેની નોંધપાત્ર અસર પડશે. અગાઉ મુંદ્રા પોર્ટથી સિગારેટ્સ, રક્તચંદન, ડ્રગ્સ સહિતની સામગ્રીઓ જપ્ત થઈ ચુકી છે.