વિદેશી મહિલાના પેટમાંથી મળી કોકેઈનની ૮૨ કેપ્સ્યુલ, ૧૫ કરોડનું ૧,૦૨૪ ગ્રામ કોકેઈન જપ્ત કરાયું

  • નિષ્ણાત તબીબી દેખરેખ હેઠળ કોકેઈનની કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી.

નવીદિલ્હી,

દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગિનીથી આવેલ એક મહિલા મુસાફર પાસેથી કેપ્સ્યુલ સ્વરૂપે પેટમાં સંતાડેલ રૂ. ૧૫.૩૬ કરોડનું કોકેઈન મળી આવ્યું છે. કોકેઈન મળી આવતા કસ્ટમ વિભાગે તેની ધરપકડ કરી છે. શનિવારે કસ્ટમ વિભાગે જાહેર કરેલ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપીને ૭ ડિસેમ્બરના રોજ કોનાક્રી (ગિની) થી અદીસ અબાબા થઈને દિલ્લી આવ્યા બાદ પકડવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન મહિલાએ ખુલાસો કર્યો હતો કે તેણે કેટલીક ડ્રગ કેપ્સ્યુલ ગળી હતી. જે તેના પેટમાં જ છે.

કસ્ટમ વિભાગે કહ્યું કે મેડિકલ ઈમરજન્સીને યાને લઈને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાની મેડિકલ તપાસ દરમિયાન તેના શરીરની અંદર છુપાયેલી કેટલીક કેપ્સ્યુલ મળી આવી હતી. નિષ્ણાત તબીબી દેખરેખ હેઠળ કોકેઈનની કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી.

કસ્ટમ વિભાગની સત્તાવાર યાદીમા કહેવામાં આવ્યું છે કે કુલ ૮૨ કેપ્સ્યુલ મળી આવી હતી. જેમાં કુલ ૧,૦૨૪ ગ્રામ સફેદ પદાર્થ મળી આવ્યો હતો. જ્યારે આ સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે કોકેઈન છે. સત્તાવાર યાદીમાં કહેવામાં આવ્યું છે કે ઝડપાયેલા ૧,૦૨૪ ગ્રામ કોકેઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૫.૩૬ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે, અને તેના પેટમાંથી કોકેઈન બહાર કાઢીને જપ્ત કરવામાં આવ્યું છે. મહિલા મુસાફરની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સાથેસાથે દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ની વિવિધ કલમો હેઠળ પણ આ વિદેશી મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મહિલા પાસેથી તબીબી સારવાર બાદ લગભગ ૧૦૨૪ ગ્રામ કોકેઈન મળી આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, તપાસ એજન્સી હવે આ કેસમાં સામેલ મહિલાના અન્ય સાથીઓની શોધખોળ કરી રહી છે. આ સાથે મહિલાના જૂના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આરોપી મહિલાએ એક એક કેપ્સ્યુલમાં કોકેન ભરીને, તે ગળી જઈને પેટમાં સંતાડી દીધું હતું.

તબીબી સારવાર બાદ, કોકેઈનની કેપ્સ્યુલ બહાર કાઢી લેવામાં આવી છે. જો કેપ્સ્યુલ પેટમાં જ ફાટી ગઈ હોત તો, મહિલાનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. હાલમાં પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું છે કે, મહિલાએ પૈસાની લાલચમાં આવીને આ કામ કર્યું છે.