વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ : UK ભણવા જનારા વિદ્યાર્થીઓ ચેતજો! કલર ઝેરોક્ષથી નકલી માર્કશીટ બનાવી.

  • બોગસ પરમિટ રજૂ કરીને વિદેશ મોકલનારા કૌભાંડનો પર્દાફાશ
  • એલિસબ્રિજ પોલીસે 3ની કરી ધરપકડ
  • ઓછા માર્કસ હોય તો નકલી માર્કશીટ બનાવીને કરતા હતા છેતરપિંડી

હાલમાં વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને પણ ગમે તે ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે. અને આ તકનો લાભ ઉઠાવીને પૈસા લાલચુ અને લેભાગુઓ  લોકોના પરસેવાના રૂપિયા ચાંઉ કરવામાં પળવારનો પણ વિચાર કરતા નથી. બોગસ પાસપોર્ટ,  નકલી બેન્ડ અને ખોટા સર્ટીઓ રજૂ કરીને વિદેશ લઇ જવાના ધીકતા ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ એલિસબ્રિજ પોલીસે એક કૌભાંડ ઝડપી પા઼ડયું.

બોગસ પરમિટ રેડી કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ લઇ જવાની કોઇ ઑફર કરે તો આ ઑફરમાં ભોળવાઇ ન જતા. ક્યાંક તમારી પાસેથી પૈસા ખંખેરવાનો કારસો હોઇ શકે. કારણ કે અમદાવાદ એલિસબ્રિજ પોલીસે બોગસ પરમિટ રેડી કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આરોપી મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓએ  ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને કૌભાંડ આચર્યું છે. 

કેવી રીતે આચર્યુ કૌભાંડ

આ શખ્સો ધોરણ 12ની બોગસ માર્કશીટ બનાવીને છેતરપિંડી કરતા હતા. જે વિદ્યાર્થી યુકે જવા ઇચ્છતો હોય પરંતુ અંગ્રેજીમાં 70થી ઓછા માર્કસ હોય તો  56 માર્કસના 76 કે 86 કરીને છેતરપિંડી આચરતા હતા. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTSની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવતા હતા અને 10 રૂપિયાની કલર ઝેરોક્ષ કરાવીને  બોગસ પરમીટ બનાવતા હતા. 

માસ્ટર માઇન્ડ મનીષ ઝવેરી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ

આ ત્રણેય આરોપીઓએ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એસી ઓફિસ બનાવીને વિદેશ જવા ઇચ્છુકોને પોતાનો શિકાર બનાવતા. યુનિવર્લ્ડ નામની ઓફિસમાં તેઓ માર્કશીટમાં છેડછાડ કરીને વિદેશ જવા વિઝા અપાવવા માટેની કામગીરી કરતા હતા.  યુકે એડમિશન અપાવવાનો વાયદો કરીને લાખો રૂપિયા પડાવતા હતા.  માર્કશીટ કૌભાંડ નો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે.. 

કેવી રીતે દબોચ્યા કૌભાંડીઓને ?

એલિસબ્રિજ પોલીસે બાતમીને આધારે આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે યુનિવર્લ્ડ વિઝાની ઓફિસમાં રેડ પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12 ઓરિજિનલ માર્કશીટ લઇ લેતા.  તેમાંથી ગુજરાત બોર્ડનો લોગો અને સિક્કો કાઢીને નકલી માર્કશીટ પર લગાવીને લોકોને છેતરવાના ધંધા કરતા હતા.

પોલીસે 24.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સમગ્ર મામલે હાલ એલિસબ્રિજ પોલીસ દ્વારા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.  તેઓ પાસેથી 35 નકલી માર્કશીટ, બે કોમ્પ્યુટર, પૈસા ગણવાનું મશીન, 3 મોબાઇલ અને 23.75 લાખ રોકડા સહિત કુલ 24.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી, કયા કયા શહેરોમાં આ લંપટોએ છેતરપિંડી આચરી, કેટલા સમયથી નકલીનો ધંધો કરતા હતા, આ તમામ મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.