ચેન્નાઇ,
મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ઘરેલુ હિંસાના સંદર્ભમાં એક મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ મહિલા જે ભારતમાં હંગામી અથવા કાયમી ધોરણે રહેતી હોય અથવા તેનો પતિ વિદેશમાં પણ રહેતો હોય તેમ છતાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત તેને ન્યાય વ્યવસ્થા પાસેથી રાહત અને ન્યાય મેળવવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક નાગરિક દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને ફગાવતાં જસ્ટિસ એસ. એમ. સુબ્રમણ્યમે આ આદેશ આપ્યો હતો. ચેન્નાઈની ફેમિલી કોર્ટમાં પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ઘરેલુ હિંસાની ફરિયાદને અમેરિકામાં વસતા પતિએ પડકારી હતી, પરંતુ કોર્ટે તે અરજી રદ્દ કરી હતી. જસ્ટિસ એસ. એમ. સુબ્રમણ્યમે જણાવ્યું કે, પીડિત વ્યક્તિ ભારતમાં રહે છે અને અન્ય દેશમાં રહેતા જીવનસાથીએ તેની સાથે નાણાકીય રીતે શોષણ કર્યુ હતું.
વિદેશમાં રહેતા પતિની દલીલ હતી કે, અમેરિકાની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે અને ત્યાંની કોર્ટે તેને ૧૫ વર્ષના જોડિયા બાળકોની કસ્ટડી પણ આપી દીધી છે, માટે પત્ની દ્વારા ભારતમાં કરવામાં આવેલી ફરિયાદને રદ્દ કરવામાં આવે. જસ્ટિસ સુબ્રમણમ્યમે જણાવ્યું કે, હુકમનામાની માન્યતા અને વિદેશની કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રત્યે અસંમજસની સ્થિતિ સર્જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોના હિતને ધ્યાનમાં રાખીને વિદેશની કોર્ટ દ્વારા કોઈ ખાસ ચુકાદો સંભળાવવામાં આવ્યો હોય તો તેના આધારે આપણે ભારતમાં ચાલી રહેલા કોઈ સ્વતંત્ર કેસને બંધ ના કરી શકીએ. ઉલ્લેખનીય છે કે આ જ કોર્ટની ડિવિઝન પીઠ દ્વારા બાળકોની કસ્ટડી પિતાને સોંપી દેવામાં આવી હતી. આ ચુકાદા પર જસ્ટિસ સુબ્રમણ્યમે જણાવ્યું કે, જો બાળકોને આ પ્રકારે બળજબરીપૂર્વક પિતાને સોંપી દેવામાં આવશે તો તેમની માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. અને શક્ય છે કે માતાની ગેરહાજરીમાં બાળકો શાંતિપૂર્વકનું જીવન પસાર ના કરી શકે. વધુમાં જજ દ્વારા કહેવામાં આવ્યું કે બાળકો સમજદાર છે, માટે તેમને તેમનો હક મળવો જોઈએ. તેઓ માતાનો પ્રેમ મેળવવાના પણ હકદાર છે. આ ટિપ્પણી સાથે કોર્ટે માતાને બાળકોને વચગાળાની કસ્ટડી સોંપી છે.