વિદેશ જવાની ઘેલછામાં ફસાયો વધુ એક પરિવાર, જવું હતુ જાપાન પહોંચ્યા ઇન્ડોનેશિયાના જંગલોમાં

અમદાવાદ, અમદાવાદના રહેવાસી નેપાલસિંહને પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થવું હતું. તેમને એજન્ટ રાજેન્દ્રએ સરળતાથી વિદેશ મોકલવાની વાત કરી હતી. નકશામાં આંગળી મુકો તે દેશમાં મોકલવાનો એજન્ટે તેમને દાવો કર્યો હતો. આ સાથે મહિને રૂ.૨થી ૩ લાખ રૂપિયા પગારની પણ લાલચ આપવામાં આવી હતી. આ વિઝા માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂ.૧૦ લાખમાં સોદો થયો હતો. દંપતી અને બાળકના વિઝા માટે રૂ.૨૫ લાખમાં સોદો નક્કી થયો હતો. ૫ વર્ષના વર્ક પરમીટ વિઝા માટે એજન્ટ સાથે ડીલ થઇ હતી. આ શરત મુજબ તેમણે એજન્ટને ભારત છોડતા પહેલા ૧૫ લાખ આપ્યા હતા. બાદમાં જાપાન પહોંચી ગયા બાદ બાકીના રૂ.૧૦ લાખ આપવાના હતા. આ સોદા બાદ નેપાલસિંહ પરિવાર સહિત ચાર લોકો અમદાવાદથી દિલ્લી પહોંચ્યા હતા.એ દરમિયાન એજન્ટે જાપાનના બદલે થાઇલેન્ડ જવાની વાત કહી હતી. અને, જાપાનમાં સીધો પ્રવેશ નહીં મળવાનું કારણ આગળ ધર્યું, બાદમાં થાઇલેન્ડમાં ચારેય લોકોને અન્ય એજન્ટના હવાલે કરાયા હતા. એજન્ટ કિરણ દરજી ચારેયને ઇન્ડોનેશિયા લઇ ગયો હતો.અને, બાદમાં જંગલ વિસ્તારના એક મકાનમાં ચારેયને રાખવામાં આવ્યા હતા. ૧૦ દિવસના બદલે મહિનો રહેવાની વાત કરતા આ પરિવારને ઠગાઇની જાણ થઇ હતી.

ઇન્ડોનેશિયામાં ૧૦ દિવસ રોકાણ બાદ એજન્ટના કહેવા મુજબ જાપાન પહોંચવાનું હતું. ૧૦ દિવસનું કહીને જંગલમાં બનેલા ઘરમાં મહિનો રાખી મૂક્યા હતા. મકાનમાં પહેલાથી ઓસ્ટ્રેલિયા જવા માટે ૫ લોકો રોકાયેલા હતા. શરૂઆતના ૧૫ દિવસ પરિવાર માટે શાંતિથી પસાર થયા હતા. પરિવારને ઘરની અંદર પૂરીને બહારથી બંધ કરી દેવામાં આવતું હતું. કલાકો અને દિવસો સુધી સુધી પરિવારને ઘરમાં પૂરી રખાતો હોવાનો પણ આક્ષેપ થયો છે. આ સાથે ચારેય લોકો વાઇ-ફાઇથી ફોન કરવાની જાણ છતાં વાઇ-ફાઇ બંધ કરી દીધું હતું. ભોજન આપવાનું બંધ કરી દેવાયુ તથા રૂપિયા ન આપ્યા તો પરિવાર પર ૫ લોકોએ હુમલો પણ કર્યો હતો.

બાદમાં આ પરિવાર એજન્ટોની ચુંગાલમાંથી છટકીને ઇન્ડોનેશિયાના જંગલ ખુંદીને એક સુમસામ રસ્તા પર પહોંચ્યા હતા. પોલીસ જોઇ જતાં પરિવારની અટક કરી પૂછપરછ શરૂ કરાઇ હતી. પોલીસે પરિવારને ભારતની એમ્બેસીમાં જવાની સલાહ આપી હતી. ટેક્સી દ્વારા ૭૦ કિમી દૂર ભારતીય એમ્બેસીમાં આ પરિવાર પહોંચ્યો હતો.