30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વીંછિયાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખસોએ કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેમને વીંછિયા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારે આ મામલે પોલીસે 6 શખસોની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આજે 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે, વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માગ હતી. પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થયા, કાયદા વિરૂદ્ધ કંઇ થશે નહીં. જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બે પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જે બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.
30 જાન્યુઆરીના રોજ વીંછિયાના થોરીયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. તેનો ખાર રાખી સાત દિવસ પહેલાં કુહાળી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે બનાવ બાદ વીંછિયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માંગણીઓ સબબ કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતાં અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ ઉપરાંત કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માંગણી કરી હતી. જોકે, કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા મૃતક ઘનશ્યામભાઈ રાજપરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર્યો હતો અને થોરીયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિ સંસ્કાર કર્યા હતા.
આ દરમિયાન હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરૃભાઇ સાંબડને ઝડપી લેવા રૃરલ એલસીબી, રૃરલ એસઓજી તથા વીંછિયા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઇ હતી. જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંબડ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લીધો હતો. આ મામલે પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે.