વાયબ્રન્ટ સમિટમાં સુરક્ષા માટે ૭૦૦૦ જેટલા પોલીસ-હોમગાર્ડ જવાનો તૈનાત

ગાંધીનગર, ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ને હવે ગણતરીના કલાકો બાકી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી યોજાનાર છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના ઉપલક્ષમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિકયુરિટી રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. મહાનુભાવોની સુરક્ષાને લઈને ગાંધીનગરને કિલ્લેબંધી કરવામાં આવી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાભરના મહેમાન આવશે તેથી તેમની સિકયોરિટી અને અન્ય સુવિધાઓ ઉપર ખાસ ધ્યાન રાખવું જરી બને છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સિકયોરિટી વ્યવસ્થા અંગે વાત કરીએ તો ૬૫૦૦ પોલીસ જવાનો અને ૫૦૦ હોમગાર્ડને આ જવાબદારી સોંપવામાં આપી છે. વધુમાં સરળતાથી લોકો વાહન પાર્ક કરે તેના માટે હાઇ ટેકનોલોજીના માધ્યમથી મેપિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉપરાંત ૧ એડીજીપી, ૬ આઈજીપી ૨૧ એસ.પી ૬૯ ડીવાયએસપીઓ ૨૩૩ પીઆઈ , ૩૯૧ પીએસઆઈ, ૫૫૨૦ પોલીસ, ૧૦૦ કમાન્ડો, ૨૧ મોરચા સ્કવોડ, ૮ કવીક રિસ્પોન્સ ટીમ, ૧૫ બીડીડીએસ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે ૩૪ ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગેા પર ફરશે.

મહાત્મા મંદિર, સેકટર-૧૭ એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્રારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પહેલી વખત એનએસજી કમાન્ડો દ્રારા સહયોગ સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત જરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કિંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરમાંથી અગ્રણી કંપનીઓના ઉધોગકારો અને પ્રતિનિધીઓ ગુજરાત આવશે અને ગુજરાત સરકાર દ્રારા પુરી પડાયેલી મદદના આધારે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેનો સીધો લાભ ગુજરાતના રહિશોને મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ ૧૦.૩૧ લાખ કરોડના કરાર છે અને ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં થવાની પણ શકયતા છે.