જામનગર,\ વાઇબ્રન્ટ જામનગરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગ અંગે બ્રાસપાર્ટ્સ, બાંધણી, હસ્તકલા, પ્રાકૃતિક ખેતી, ઉદ્યોગો તેમજ સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડતા ૨૬ જેટલા આનુષંગિક સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે, ત્યારે આ વાયબ્રન્ટ જામનગર કાર્યક્રમ સ્થાનિક લોકો માટે ખુબ જ મહત્વનો સાબિત થશે. રાજ્યના લોકોમાં વાઇબ્રન્ટ સમિટને લઈને જાગૃતતા આવે તે હેતુથી ઓકટોબર મહિના દરમિયાન તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડકટસનું બ્રાન્ડિંગ થાય તે મુખ્ય હેતુ છે.
જિલ્લામાં ૭૦૦૦ જેટલા બ્રાસપાર્ટ્સનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. તેમજ ૧૦૦૦ જેટલી નાની મોટી ભઠ્ઠીઓ આવેલી છે. ચંદ્રયાન -૨ ના સફળ લોંચિંગમાં પણ જામનગરનો મહત્વનો ફાળો રહ્યો હતો. જામનગરની ગીતા મશીન્સ ટુલ્સ કંપની દ્વારા ચંદ્રયાનનો પાર્ટ બનાવવામાં આવ્યો છે જેની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. એશિયાની સૌથી મોટી રિફાઈનરી ૭૫૦૦ એકરમાં ફેલાયેલ છે જેના થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરમાં મીઠાનું પણ બહોળા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં મીઠાનું ૮,૨૬,૩૦૦ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.
આ કાયક્રમમાં પી.એમ. વિશ્ર્વકર્મા યોજના, માનવ કલ્યાણ અને એમએસએમઇ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગના ૨૬ સ્ટોલના પ્રદર્શનને કેબિનેટમંત્રીએ ખુલ્લું મૂક્યું હતું. અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં હાજર મહેમાનોએ જામનગર જિલ્લાના ઉદ્યોગોમાં બનતી વસ્તુઓ અને બ્રાસપાર્ટ્સ અંગેની ફિલ્મ નિહાળી હતી. તેમજ મહાનુભાવોનું મિલેટ્સ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલેકટર બી.એ. શાહ દ્વારા તથા શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય.