વોડાફોન-આઈડિયાને ૧૧૨૮ કરોડનો ટેક્સ રિફંડ કરવાનો આદેશ

નવીદિલ્હી, બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને ૨૦૧૬-૧૭ના મૂલ્યાંકન વર્ષ માટે વોડાફોન આઈડિયા લિમિટેડને ટેક્સ તરીકે ચૂકવેલા રૂ. ૧,૧૨૮ કરોડ રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટમાં વિભાગ દ્વારા પસાર કરાયેલ આકારણીનો આદેશ સમયબદ્ધ હતો અને તેથી તે ટકી શક્તો નથી.

ન્યાયાધીશ કેઆર શ્રીરામ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ૩૦ દિવસના નિર્ધારિત સમયમાં અંતિમ આદેશ પસાર ન કરવા અને તેના કારણે સરકારી તિજોરી અને જનતાને ભારે નુક્સાન પહોંચાડવા બદલ આકારણી અધિકારી સામે કડક વલણ અપનાવ્યું હતું.

કોર્ટે વોડાફોન આઈડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આવકવેરા વિભાગ આકારણી વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માટે ચૂકવવામાં આવેલી રકમ પરત કરવામાં નિષ્ફળ ગયો, જે તેની આવક પરના કાયદાકીય કર કરતા વધુ હતો.

બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે વોડાફોનનો મામલો ’એકદમ પ્રથમ દૃષ્ટિએ’ છે અને તેને આવકવેરા કાયદાની જોગવાઈઓ અનુસાર તેની ફરજો નિભાવવામાં સંબંધિત આકારણી અધિકારીની સંપૂર્ણ ઉદાસીનતા અને બેદરકારીભર્યું વલણ જોવાની ફરજ પડી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ’કાયદાના કડક દાયરામાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવેલા અધિકારીઓની કોઈપણ બેદરકારી સરકારી તિજોરીને અસર કરે છે અને દેશની સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા પર દૂરગામી અસર કરે છે.’

તેના આદેશની નકલ કેન્દ્રીય નાણા મંત્રાલયને મોકલવાનો નિર્દેશ આપતાં, હાઈકોર્ટે કહ્યું, બેદરકારી અને શિથિલતા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેણે આ દેશના જાહેર તિજોરી અને નાગરિકોને ભારે નુક્સાન પહોંચાડ્યું છે.અરજી અનુસાર, આકારણી અધિકારીએ ડિસેમ્બર ૨૦૧૯ માં આકારણી વર્ષ સંબંધિત ડ્રાફ્ટ ઓર્ડર પસાર કર્યો હતો, જેની સામે કંપનીએ જાન્યુઆરી ૨૦૨૦ માં વિવાદ નિવારણ પેનલ (ડીઆરપી) સમક્ષ વાંધો નોંધાવ્યો હતો. માર્ચ ૨૦૨૧માં ડ્ઢઇઁએ કેટલીક સૂચનાઓ જારી કરી હતી.