
હાલોલ નગરપાલિકાએ વેસ્ટ ટુ વેલ્યુ પ્રોજેક્ટ હેઠળ એક નવતર પહેલ કરી છે. પાલિકાએ પ્લાસ્ટિકના કચરામાંથી ગાર્ડન ટાઇલ્સ અને બેન્ચ બનાવવાનું કામ શરૂ કર્યું છે. એક સ્ટાર્ટઅપ કંપનીના સહયોગથી વિના મૂલ્યે 3,255 સ્ક્વેર ફીટની ટાઇલ્સ, 13 બેન્ચ અને 13 મોનોલીથ બનાવવામાં આવ્યા છે. આ તમામ વસ્તુઓ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવી છે.
હાલોલની ઔદ્યોગિક વસાહતોમાં 600થી વધુ ગેરકાયદે પ્લાસ્ટિક કેરી બેગ ઉત્પાદન એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો કેન્દ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી 10થી 30 માઇક્રોન જાડાઈની પ્લાસ્ટિક બેગ બનાવતા હતા. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે મામલતદાર અને GPCB સાથે મળી મેગા ઓપરેશન હાથ ધર્યું. 20 જેટલા એકમોમાંથી 850 ટન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.

ચીફ ઓફિસર હિરલ ઠાકરના જણાવ્યા મુજબ, શહેર અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા અનેક એકમો બંધ બારણે કામ કરે છે. આવા એકમો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. જપ્ત કરાયેલા પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનો વિચાર આવતા પ્રાયોગિક ધોરણે 30 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિકની બેંચ છે તેને નગરના મુખ્ય માર્ગોની બાજુમાં જ્યાં જ્યાં કચરાવાળા પોઇન્ટ હતા, જેને સ્વચ્છ કરી ત્યાં બનાવવામાં આવેલા ઓટલા ઉપર મૂકવામાં આવનાર છે, અને ટાઇલ્સને હાલ બગીચામાં આવો પોઇન્ટ બનાવવા ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યાં બેન્ચ પણ મુકવામાં આવી છે. જે મોનોલીથ બનાવવામાં આવેલા છે તેને પણ શહેરની મુખ્ય રસ્તાઓની ફૂટપાથ અને ડિવાઈડર ઉપર લગાવવામાં આવશે.
આ મોનોલીક ઉપર જનતા માટે એક સુંદર સંદેશ લખવામાં આવનાર છે, જેમાં લખ્યું હશે ‘હાલોલ હવે બદલાઈ રહ્યું છે’ રિસાયકલ મટિરિયલનો ઉપયોગ કરી ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી શકાય છે અને નગરપાલિકા તે બનાવી રહી છે. નગરપાલિકા પાસે 850 ટન વેસ્ટ પ્લાસ્ટિકની કેરી બેગ પૈકી માત્ર 30 ટન કેરી બેગનો જ હાલ આ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરાવવાની સાથે સાથે પાલિકા દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ ઉપર સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.