વેરાવળમાં ભારતીય વાયુદળના મૃતક જવાનને તિરંગા સાથે અપાયું ગાર્ડ ઓફ ઓનર

વેરાવળના વતની અને ભારતીય વાયુદળમાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આજે આવેલા વાયુદળના અધિકારીઓ અને જવાનોએ મૃતક જવાનને ત્રિરંગા તથા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપી હતી. મૃતક જવાન રજા લઈને વતનમાં આવેલ ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામતા ગમગીની છવાઈ ગઈ હતી.વેરાવળના વતની વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ રજા લઈને વતન આવેલ અને ગઈકાલે કામકાજ અર્થે માળીયાહાટીના ચરખડી ગામ નજીક મોટર સાયકલ ઉપર જઈ રહેલ ત્યારે સ્પીડ બ્રેકર ઓળંગવા જતા અકસ્માત સર્જાયો હતો.

બાદમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય મોટર સાયકલ સવારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જેમાં વાયુદળના જવાનનું ગંભીર ઈજાના થવાના કારણે મૃત્યુ નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતુ. મૃતક જવાન વિશાલકુમાર છેલ્લા ચાર વર્ષથી જેસલમેર ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા અને રજાના દિવસોમાં પોતાના વતન આવેલ તે દરમ્યાન મિત્રો સાથે અકસ્માતમાં મૃત્યુ પામતા પરીવારજનોમાં ગમગીની પ્રસરી હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન જવાનનો મૃતદેહ વતન વેરાવળ લઈ આવવામાં આવેલ હતો. આજે અત્રે આવેલા વાયુદળના અધિકારીઓ અને સાથી જવાનોએ મૃતક જવાન વિશાલને ત્રિરંગા તેમજ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌની આંખોમાંથી અશ્રુ વહેતા થઈ ગયા હતા.