બોરસદ, બોરસદનો કુખ્યાત ચીટર અને ભાજપમાં કારોબારી સભ્ય એવા કેયુર શાહ વિરૂદ્ધ વધુ એક છેતરપિંડી બહાર આવી છે. જેમાં તેણે બોરસદના જ એક શખસને ગેસ સર્વિસ અને ફૂડ કોર્ટના નામે ધંધો કરવાના બહાને રૂપિયા ૫૫ લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનારે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે.
સરકારમાં ઉપર કક્ષાએ પોતાની ઓળખ હોવાની તથા મંત્રીઓ સાથેના ફોટા બતાવી છેતરપિંડી આચરનારા કેયુર પિયુષ શાહ અને તેના પિતા પિયુષ ચંદ્રવર્ધન શાહ વિરૂદ્ધ બોરસદના વ્હેરા સ્થિત શ્રીસહજાનંદ સરણમ સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય સિવેન્દ્રકુમાર ભરતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં કેયુરે ઉચ્ચ હોદૃા ધરાવતા વ્યક્તિઓ સાથે પોતાના સંબંધો હોવાની મોટી-મોટી વાતો કરી હતી.
તેમની વાતોમાં આવી ગયેલા સિવેન્દ્રકુમારને તેણે ગેસ સર્વિસ, ફૂડ કોર્ટ અને પેટ્રોલિયમનો વેપાર કરવા અને કંપની એક્ટ હેઠળ રજિસ્ટર કરાવી ભાગીદારીમાં ધંધો કરવા માટે સમજાવ્યા હતા. જેને પગલે કેયુરની વાતોમાં આવેલા સિવેન્દ્રકુમારે તેમની પત્ની હેમલતાબેન સાથેની ભાગીદારીમાં મેમોરેન્ડમ બનાવ્યું હતું. એ પછી તેઓએ બોદાલ ખાતે જમીન ખરીદી હતી. જેના બાના પેટે ખેડૂતને રૂપિયા ૨૧ હજાર આપ્યા હતા. બાદમાં તેમને રૂપિયા ૧૦ લાખ આપ્યા હતા. બીજી તરફ ફૂડ કોર્ટ, અને ગેસ સર્વિસના બાંધકામ અને તેના ફર્નિચર પેટે અલગ-અલગ સમયે શખસે રૂપિયા ૫૫ લાખ પડાવ્યા હતા.
આ દરમિયાન, કોરોના આવી જતાં તેણે એ બહાનું આગળ ધરીને ધંધો શરૂ કર્યો નહોતો. જોકે, એ પછી ગત વર્ષે તેમણે પૈસા પરત માંગતા જ તેણે પોતાની ઓળખ ઉચ્ચ કક્ષાએ છે અને બોમ્બેથી ગુંડા બોલાવી તેને તેમજ તેના પરિવારનું ખૂન કરાવી દેવાની ધમકી આપી હતી. અને આજદિન સુધી એકપણ રૂપિયા પરત આપ્યા નહોતા.નોંધનીય છે કે, શખસે પોતાની છાપ એવી ઊભી કરી હતી કે, મોટાભાગના લોકો તેનાથી ડરતા હતા, અને તેના વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરવા આગળ આવતા નહોતા. આગામી સમયમાં વધુ કરતૂતો ખુલે તેવી શક્યતા છે.
બોરસદ શહેરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કેયુર શાહ સામે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેવજીભાઈ પટેલે રૂપિયા ૨૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વિજયભાઈની પુત્રવધુને નોકરી આપવાની લાલચ આપી અને પોકરના ધંધામાં ભાગીદાર બનાવવાની વાત કરીને ૨૫ લાખ પડાવ્યા હતા.પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે પૈસા ક્યાં અને કેવી રીતે આપ્યા અને કઈ જગ્યા ઉપર ધમકી આપી તેના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી અને પોલીસ પાસે પુરાવા ન હતા. જેને લઇ કેયુરભાઈ શાહના વકીલ દ્વારા તેઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર રાખી હતી. નોંધનીય છે કે, એક કેન્દ્રીય મંત્રીએ ત્રણ દિવસ પહેલાં જ તેના બોરસદ ખાતેના ઘરની મુલાકાત લીધી હતી.