વેનેઝુએલાના રહેવાસી વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ૧૧૪ વર્ષની વયે નિધન

વેનેઝુએલા, વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર ૧૧૪ વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા. ફેબ્રુઆરી ૨૦૨૨ માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા. તે સમયે તેમની ઉંમર ૧૧૨ વર્ષ ૨૫૩ દિવસ હતી.

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જુઆનના મોતની જાણકારી આપી હતી. જુઆનનો જન્મ ૨૭ મે ૧૯૦૯ના રોજ થયો હતો. તેમના ૧૧ પુત્રો, ૪૧ દોહિત્રી, ૧૮ પૌત્ર-પૌત્રીઓ અને ૧૨ ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. ગિનિસના અહેવાલ પ્રમાણે જુઆન વ્યવસાયે એક ખેડૂત હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમની લાંબી ઉંમરનું રહસ્ય સખત મહેનત, સમય પર આરામ કરવો અને દરરોજ શેરડીમાંથી બનેલો એક ગ્લાસ દારૂ છે.

૫ વર્ષની ઉંમરે જ જુઆને પોતાના પિતા અને ભાઈઓ સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેઓ શેરડી અને કોફીની ખેતીમાં મદદ તેમને કરતા હતા. ત્યારબાદ તેઓ શેરિફ (લોકલ પોલીસ અધિકારી) બન્યા અને તેમના વિસ્તારમાં જમીન સંબંધિત મુદ્દાઓ ઉકેલવા લાગ્યા. જો કે, આ સમયગાળા દરમિયાન પણ તેમણે ખેતી ચાલુ રાખી.

વર્ષ ૧૯૩૮માં જુઆને એડિઓફિના ગાસયા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું ૧૯૯૭માં નિધન થઈ ગયુ હતું. ૨૦૨૨માં જ્યારે જુઆનને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. તેઓ કોઈ ખાસ દવાઓ નહોતા લેતા.