વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઇના નામે અનેક પાસ થતી ગ્રાન્ટો બારોબાર સગેવગે કરાતાં જીલ્લા કલેકટરને આવેદન

વેજલપુર,
કાલોલ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત વેજલપુર ગણાય છે અને અગાઉના સમયમાં વેજલપુર ગામમાં વેપાર ધંધાની દ્દષ્ટિએ નામના પણ ધરાવતું હતું. તેમ છતાં વેજલપુર ગામ વિકાસથી વંચિત રહ્યું છે. ગ્રામ પંચાયતના ભ્રષ્ટ અને અનધડ વહીવટને લઈ હાલ પંચાયત વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગામમાં ફેલાયેલી ગંદકી દુર કરવામાં આવે સાથે પંચાયતના વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવા માટે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વેજલપુર ગામ આસપાસના ગામો સાથે ધંધાકીય ક્ષેત્ર જોડાયેલું મોખરા સ્થાન ધરાવતું ગામ છે. વેજલપુર ગામ રાજકીય ક્ષેત્રે પણ આગળ પડતું ગણાય છે. તેમ છતાં વેજલપુર ગામ વિકાસ થી વંચિત રહ્યો છે. વેજલપુર ગામ આવેલ રૂપારેલના કિનારા ઉપર ગામની ગંદકી ઠલવાઈ રહી છે. નદી નજીક ઉર્દુ પ્રાથમિક શાળા તેમજ રહેણાંક વિસ્તારો આવેલા છે પરંતુ નદીના કિનારે ઠલવાયેલ ગંદકીને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ કોરોના મહામારીના ભય થી લોકો ડરી રહ્યા છે. તેવા સમયે ગંદકીને લઈ રોગચાળાના ભય વધુ સતાવી રહ્યો છે. વેજલપુર ગામમાં માત્ર રૂપારેલ નદીના કિનારાના ભાગે ફેલાયેલી ગંદકી નહિ પરંતુ પંચાયતના અનેક વિસ્તારો ગંદકી થી ખદબદી રહ્યા છે. તેમ છતાં ગ્રામ પંચાયતના વહીવટ કર્તાઓને આવી ગંદકી દુર કરવામાં રસ નથી. પંચાયતના વહીવટકર્તા સરપંચ અને તલાટીને અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામા આવી છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. રૂપારેલ નદી કિનારે ઠલવાતા ગામના કચરાંને લઈ ગંદકી ઉભી થાય છે. ગામનો ઘન કચરાને ઠાલવવા માટે પંચાયત દ્વારા નીમ કરેલ સ્થળે ગંંદા કચરાનો નિકાલ નહિ કરતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી છે. તેનો કાયમી ધોરણે નિકાલ થાય તે જરૂરી છે.

વેજલપુર પંચાયત વિસ્તારમાં આવતાં હરીજનવાસ, ભોઈવાડા, પટેલવાડા વિસ્તારના રહિશોના બાળકો શાળામાં જવા માટે રૂપારેલ નદી માંથી પસાર થાય છે. નદી ઉપર કોઈ બાળકે સુરક્ષા દિવાલ કે બ્રીજ થી વ્યવસ્થા ન હોવાને લઈ ૨૦૧૯ના વર્ષમાં શાળાથી પરત જતાં બાળકનું ડુબી જવાથી મોત થયેલ હતું અને આ બાબતે ગ્રામ પંચાયત અજાણ નથી તેમ છતાં રૂપારેલ નદી ઉપર અન્ય વિસ્તારને જોડતા બ્રીજ બનાવવામાં અનદેખી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ માત્ર નદી કિનારે ઠલવાતા કચરાને ભ્રષ્ટાચાર કરવાનું સાધન બન્યું છે. વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારની ગંદકીનું સામ્રાજય દુર કરવામાં આવે. રૂપારેલ નદી કિનારે થી ગંદકી દુર કરાય, અત્યાર સુધી પંચાયત દ્વારા સફાઈના નામે ભ્રષ્ટાચાર કર્યો હોય તેની તપાસ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

વેજલપુર પંચાયતના સત્તાધિશોએ કચરા માટે ફાળવેલ જગ્યા અન્ય હેતુ માટે ફાળવી…

વેજલપુર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ઘન કચરાના નિકાલ માટે જગ્યા નીમ કરી આપેલી હતી. પરંતુ પંચાયતના શાસકકર્તાઓ દ્વારા કચરો ઠાલવવા માટે ફાળવેલ જગ્યાને અન્ય હેતુ માટે ફાળવી દેવામાં આવતાં ગામનો કચરો રૂપારેલ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે.

સરકારે ફાળવેલ જગ્યા એ કચરો ઠલવાયતો નદી કિનારે ફેલાણી ગંદકી દુર થશે…

વેજલપુર ગ્રામ પંચાયતને ગામના ઘન કચરાના નિકાલ માટે ફાળવેલ જમીન પંચાયતના સત્તાધિશો એ અન્ય હેતુ માટે ફાળવી દેવામાં આવી છે. તે પંચાયત પરત મેળવીને ગામનો કચરો ઠાલવવા માટે ઉપયોગમાં લેવાશે ખરી ? જો આમ ન થાય તો નદી કિનારે જોવા મળતાં ગંદકીના ઢગલા આ સ્થિતીમાં રહેશે.