વેજલપુર પોસ્ટ ઓફિસ એજન્સી દ્વારા ફોર્ડના કેસનો ચુકાદો આવ્યો

  • ડિપોઝિટરને જાણ કર્યા વગર તેમના નાણા સેવિંગ્સ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના શેરા વગર ટ્રાન્સફર કરી દેવાયા હતા.
  • અધિકારી કર્મચારીઓની મીલી ભગતથી અમારૂં ખાતું બંધ કરી નાણા ઉપાડી લેવામાં આવ્યા હતા : ડિપોઝિટર

વેજલપુર,
વેજલપુર પોસ્ટ ઓફિસના કૌભાંડનો પહેલો ચુકાદો ડિપોઝિટર કરનારની તરફેણમાં આવ્યો હતો. ગોધરાના કુસુમ વિવેકનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશ કુમાર સુથાર અને તેમની પત્ની પ્રીતિબેને વેજલપુર પોસ્ટ ઓફિસમાં એજન્ટ ભાવેશ સુથાર પાસે એમઆઈએસની રકમનું રોકાણ કર્યું હતું. તેની પાકતી મુદત પહેલાં વેજલપુર પોસ્ટ ઓફિસના અધિકારી અને એજન્ટ ભાવેશ સુથારની મદદથી ડિપોઝિટરની જાણ કર્યા વગર તેમના નાણા સેવિંગ્સ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના શેરા વગર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. ડિપોઝિટરે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નાણા પરત લેવા માટે અરજી કરી હતી, પરંતુ અરજીનો હકારાત્મક જવાબ ન આપતાં આખરે ડિપોઝિટરે પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોરમના કમિશનમાં કરિયાદ કરી હતી.

જેમાં પંચમહાલ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે અરજદાર જીગ્નેશ કુમાર સુથારના વકીલ જે.એન.પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને જિલ્લા કમિશનના પ્રમુખ જે.પી.ગઢવી તથા મેમ્બર એમ.આર.મહેતા અને ડી.એસ.રાવલે ગઈકાલે બુધવારે અરજદાર જીગ્નેશ કુમારના રોકેલા ચાર લાખ પાંચ હજાર 7.7%ના વ્યાજના સાથે ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો.

ડિપોઝિટરે સતત બે વર્ષ સુધી ન્યાય માટે લડાઈ ચલાવી કોર્ટે વધુમાં અરજદારને જે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે. તેના પેટે રૂપિયા 2 હજાર વધારે ચૂકવવાનો હુકમ કર્યો હતો. ત્યારે અરજદાર જીગ્નેશકુમારે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2016માં વેજલપુરના એજન્ટ પાસે અમારા એમ.આઈ.એસ. એકાઉન્ટમાં ચાર લાખ પાંચ હજાર રૂપિયા મે અને મારી પત્નીના નામે જોઈન્ટ બી ખાતામાં મૂક્યા હતા. એમાંથી અમને અમુક સમય સુધી વ્યાજ મળતું હતું. ત્યારપછી અમારી જાણ બહાર પોસ્ટ ઓફિસ એજન્ટ અને અધિકારી કર્મચારીઓની મીલી ભગતથી અમારૂં ખાતું બંધ કરી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. જેને અમને બિલકુલ ખબર ન હતી. જ્યારે અમને ખબર પડી કે પોસ્ટ ઓફિસ એજન્ટ ભાવેશ સુથાર અહીંયાંથી ફરાર થઈ ગયો છે અને એકાઉન્ટ બંધ કરી નાણાં ઉપાડી લીધા છે. ત્યારે અમે ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સંપર્ક કર્યો હતો. જેના વકીલ જે.એન.પટેલને અમારી તમામ માહિતી આપી હતી અને બે વર્ષ સુધી ન્યાય માટે લડત ચલાવી હતી અને ગઈકાલના રોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

નામદાર કોર્ટના ચુકાદાને આવકાર્યો :- જે એન પટેલ એડવોકેટ

આ અંગે એડવોકેટ જે.એન.પટેલે જણાવ્યું હતું કે, વેજલપુર પોસ્ટ ઓફિસમાં 2019ની અંદર એજન્ટ ભાવેશ સુથાર મારફતે કેટલાક ડિપોઝિટરના નાણાંનું ફ્રોડ થયું હતું. જેના અનુસંધાને જીગ્નેશકુમાર સુથારે ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર તેમના એમ.આઈ.એસ.ના નાણા ખોટી રીતે ઉપાડી લેવામાં આવ્યા હતા એની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના અંતે ગઈકાલે નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે, ભાવેશ સુથારના જે બે ક્લોઝર કર્યા છે અને એસબી ખાતામાં કોઈપણ પ્રકારના શેરા નથી. તદ્દઉપરાંત મોટી રકમ જે આપી દેવામાં આવી છે. તે ભારત સરકારના પરિપત્ર અને પોસ્ટના પરિપત્ર વિરૂદ્ધ છે. કારણકે, કોઈપણ પ્રકારની ચૂકવણી કરવી હોય તો 20 હજારથી વધારે રકમ ચૂકવણી માટે એકાઉન્ટ પે ચેક આપવો જરૂરી છે. જ્યારે આ કિસ્સામાં આવું ન હોવાના કારણે નામદાર કોર્ટે પોસ્ટને લપડાક મારી છે અને સમાજની અંદર એક ઉદાહરણ બેસાડ્યું છે. કોઈ પણ જાતના નિયમોનો ભંગ કરવામાં આવશે તો અથવા તે પરિપત્રનો ભંગ કરવામાં આવશે તો તેને સાંખી ન લેવાય. આજે બે વર્ષની લડાઈના અંતે જીગ્નેશ કુમારને ન્યાય મળ્યો છે.